ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતા અને મૂળ દાહોદ ના વતની એક શ્રમિક પરિવાર પર ફરી એકવાર આફત તૂટી પડી છે. ભરૂચમાં કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી ભગાડી જવાના મામલે નબીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, અરજદાર ભરૂચમાં મજૂરીકામ કરી જીવન નિર્વાહ કરે છે, જ્યારે તેમની પત્ની અને સંતાનો મૂળ વતન દાહોદમાં રહેતા હતા. વર્ષ 2025ના મે મહિનામાં તેમની સગીર પુત્રીને વતનમાં જ રહેતો શિવા ગોરા અમલીયાર શિવા ગોરા અમલીયાર લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.
ઘટનાની જાણ પત્ની દ્વારા થતાં પિતા તાત્કાલિક વતન દોડી ગયા હતા. તેમણે પુત્રી પરત માંગતા આરોપી પક્ષે સોંપવાનો ઇનકાર કર્યો હતો. અંતે તેમણે લીમડી પોલીસ સ્ટેશન માં અરજી આપી હતી. ત્યારબાદ ગામના સરપંચ સહિત આગેવાનોની મદદથી પુત્રીને શોધી પરિવારને પરત સોંપવામાં આવી હતી.
તે સમયે પુત્રીના અભ્યાસ અને સમાજમાં પરિવારની આબરૂ જળવાઈ રહે તે હેતુથી પરિવારે પોલીસ કેસ નોંધાવવાનું ટાળ્યું હતું. બાદમાં તેઓ પોતાની બંને પુત્રીઓને લઈને ભરૂચ રહેવા આવી ગયા હતા.
દરમિયાન ગત 11 જૂનના રોજ અરજદાર પોતાના રૂમ પર જમવા બેઠા હતા. ત્યારે તેમની સગીર પુત્રીએ “પપ્પા, હું સામાન લેવા દુકાને જાઉં છું” તેમ કહી બહાર જવા નીકળી હતી. સુરક્ષાના હેતુથી તેમણે બીજી પુત્રીને પણ તેની સાથે મોકલી હતી.
થોડીવાર બાદ બીજી પુત્રી ગભરાયેલી હાલતમાં દોડી આવી અને જણાવ્યું કે એક અજાણ્યો યુવાન તેની બહેનને બાઇક પર બેસાડી લઈને ફરાર થઈ ગયો છે. આ સાંભળતા જ પિતાએ આસપાસ શોધખોળ શરૂ કરી હતી.
સાથે જ તેમણે પોતાના વતનમાં રહેલા પુત્રને શિવા ગોરા અમલીયાર વિશે તપાસ કરવા જણાવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શિવાનું ઘર બંધ હતું અને તે ઘરે હાજર નહોતો. જેથી ફરી એકવાર શિવા ગોરા અમલીયાર જ તેમની પુત્રીને ભગાડી ગયો હોવાની શંકા મજબૂત બની હતી.
સમગ્ર મામલે પિતાએ નબીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
