Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ ભરૂચ–દહેજ રેલખંડ અને મુખ્ય લોજિસ્ટિક્સ હબનું કર્યું વ્યાપક નિરીક્ષણ : રેલવે સુરક્ષા, માલપરિવહન અને પોર્ટ કનેક્ટિવિટી મજબૂત બનાવવા અધિકારીઓને આપ્યું માર્ગદર્શન

Share

ભરૂચ : પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેએ શુક્રવારે વડોદરા મંડળના ભરૂચ–દહેજ રેલખંડ, ભરૂચ–ગોઠણગામ મેઇનલાઇન તેમજ કૃભકો લાઇનનું સંરક્ષા નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ ઉપરાંત દહેજ પોર્ટ, કોનકોરના ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ (GCT), MAPD સાઇડિંગ સહિતના મુખ્ય લોજિસ્ટિક્સ કેન્દ્રોની મુલાકાત લઈ રેલવે અવસંરચના, માલપરિવહન અને પોર્ટ કનેક્ટિવિટીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

નિરીક્ષણ દરમિયાન તેમની સાથે વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે અને મંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રબંધકે વિન્ડો ટ્રેલિંગ દ્વારા ભરૂચ–દહેજ રેલખંડ અને ભરૂચ–ગોઠણગામ મેઇનલાઇનનું નિરીક્ષણ કરી રેલવે ટ્રેક, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, સમપાર ફાટકો સહિતની વિવિધ સુવિધાઓનું સઘન મૂલ્યાંકન કર્યું હતું.

Advertisement

મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેએ ભરૂચ–દહેજ રેલખંડમાં ચાલી રહેલા અવસંરચના વિકાસ, વધારાની સુવિધાઓના નિર્માણ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના વિસ્તરણ અંગે મહાપ્રબંધકને માહિતગાર કર્યા હતા. મહાપ્રબંધકે રેલ સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની સાથે સુરક્ષિત અને અવિરત રેલ સંચાલન સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.

ત્યારબાદ મહાપ્રબંધકે દહેજ ખાતે કોનકોરના ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ (GCT) અને MAPD સાઇડિંગની મુલાકાત લીધી હતી. કોનકોરના વરિષ્ઠ મહાપ્રબંધક (વાણિજ્ય અને સંચાલન) સુશ્રી સુહાની મિશ્રા સાથે યોજાયેલી બેઠકમાં માલપરિવહન વધારવા, લોજિસ્ટિક્સ કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા અને મલ્ટીમોડલ પરિવહન વ્યવસ્થાને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દહેજ પોર્ટ ખાતે મહાપ્રબંધકે પોર્ટના મુખ્ય સંચાલન અધિકારી (COO) કેપ્ટન ધર્મ પ્રકાશ અને તેમની ટીમ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં રેલ આધારિત માલપરિવહનને પ્રોત્સાહન, લોડિંગ સુવિધાઓના વિકાસ અને રેલવે–પોર્ટ સંકલનને વધુ મજબૂત બનાવવા અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. તેમણે પોર્ટના મરીન કન્ટ્રોલ રૂમની મુલાકાત લઈ જહાજોની અવરજવર અને પોર્ટ સંચાલનની કામગીરીની પણ સમીક્ષા કરી હતી.

આગળ કૃભકો સાઇડિંગ તથા હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ના સંયંત્રની મુલાકાત દરમિયાન કંપનીના રેલવે સલાહકાર શ્રી એસ. કે. ત્રિપાઠીએ ભવિષ્યની રેલ કનેક્ટિવિટી, લોજિસ્ટિક્સ વિસ્તરણ અને રેલ આધારિત પરિવહનનો હિસ્સો વધારવા માટેની યોજનાઓ અંગે માહિતી આપી હતી. ઉપરાંત હજીરા સ્થિત અદાણી પોર્ટના મુખ્ય સંચાલન અધિકારી શ્રી પંકજ ઉકે સાથે બેઠક યોજી બંદરના વિસ્તરણ અને ભાવિ માલપરિવહન ક્ષમતાના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

નિરીક્ષણના અંતે મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેએ રેલવે સુરક્ષા ધોરણોનું કડક પાલન, સમયમર્યાદામાં અવસંરચના વિકાસના કાર્યો પૂર્ણ કરવા તેમજ ઉદ્યોગો, બંદરો અને લોજિસ્ટિક્સ ભાગીદારો સાથે વધુ સારા સમન્વય દ્વારા પશ્ચિમ રેલવેની માલઢુવાણી ક્ષમતામાં સતત વધારો સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે વડોદરા મંડળના પ્રયાસોની પ્રશંસા કરતાં અધિકારીઓને ગ્રાહકકેન્દ્રિત સેવાઓ અને કાર્યક્ષમ સંચાલન દ્વારા પશ્ચિમ રેલવેને માલપરિવહન ક્ષેત્રે નવી ઊંચાઈએ પહોંચાડવા સતત પ્રયાસશીલ રહેવા આહ્વાન કર્યું.


Share

Related posts

એક સાથે ૧૦ આરોપીઓને પાસામાં જેલ હવાલે …જાણો ક્યાં

ProudOfGujarat

રાજકોટના શાસ્ત્રીનગરમાં ઘરે કામ કરવા આવેલ કારીગર હાથફેરો કરી ફરાર.

ProudOfGujarat

છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ માં ભવ્ય શોભા યાત્રા અને બાઇક રેલી કાઢવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!