ભરૂચ :
ભરૂચ નગરપાલિકાની દિવાળી પૂર્વેની સામાન્ય સભામાં શરૂઆતથી જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પાલિકાના સભાખંડમાં પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રગીતના મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે તૂતૂ-મૈંમૈં થતાં હોબાળાના દૃશ્યો સર્જાયા હતા. ત્યારબાદ ગત સામાન્ય સભાની મિનિટ્સની મંજૂરી અને ત્રિમાસિક હિસાબના મુદ્દે પણ ઉગ્ર ચર્ચા થઈ હતી. જોકે, પ્રારંભિક હોબાળા બાદ વાતાવરણ શાંત થતાં નગરના વિકાસને લગતા 24 એજન્ડાને મંજૂરી આપવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકાની વર્તમાન ટર્મની બીજી અને દિવાળી પૂર્વેની અંતિમ સામાન્ય સભામાં વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સભાની શરૂઆતમાં જ રાષ્ટ્રગીતના મુદ્દે બંને પક્ષના સભ્યો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયું હતું. ત્યારબાદ ગત સામાન્ય સભાની મિનિટ્સને મંજૂરી આપવાના મુદ્દે વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત ત્રિમાસિક હિસાબમાં આવક અને જાવકના આંકડાઓને લઈને પણ શાસક પક્ષને સવાલો કરવામાં આવ્યા હતા.
વિપક્ષના પૂર્વ નેતા સમશાદઅલી સૈયદે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે હોટલ અને લારીધારકો પાસેથી કચરો ઉપાડવાના બદલામાં આર્થિક વ્યવહારની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો છે. આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ 14મા નાણાપંચની ગ્રાન્ટ અંગે અગાઉની ટર્મમાં રચાયેલી તપાસ કમિટીની કામગીરી અને પીળી પડી ગયેલી સ્ટ્રીટલાઈટોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
ત્રિમાસિક હિસાબ અંગે વિપક્ષે જણાવ્યું હતું કે પાલિકાની અંદાજે 9 કરોડ રૂપિયાની આવક સામે 17થી 18 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આવક કરતાં ખર્ચ વધુ હોવાના મુદ્દે પાલિકાના વહીવટ સામે સવાલો ઉઠાવી જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી.
બીજી તરફ પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં કુલ 24 એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા અને તમામને મંજૂરી આપવામાં આવી છે. ગત સામાન્ય સભાની મિનિટ્સને વિપક્ષે નામંજૂર કરી હતી, જેને આ બેઠકમાં મતદાન દ્વારા બહુમતીના આધારે મંજૂર કરવામાં આવી છે. તેમણે વધુમાં દિવાળી પૂર્વે નગરજનોની સુવિધા માટે રોડ પેચવર્ક, સ્ટ્રીટલાઈટ સહિતનાં જનહિતનાં કામો હાથ ધરવાની ખાતરી આપી હતી.
પાલિકા સામે કલમ 258 હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી અંગે પ્રમુખે જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સંદર્ભે પ્રાદેશિક કચેરીમાં જરૂરી પુરાવા રજૂ કરવામાં ન આવતાં તેમને ઠપકો આપવામાં આવ્યો છે.
આમ, રાષ્ટ્રગીતના મુદ્દે થયેલા હોબાળા અને કચરા કલેક્શન સહિતના પ્રશ્નો પર શાસક-વિપક્ષ વચ્ચે થયેલી ગરમાગરમ ચર્ચા બાદ સભામાં વિકાસલક્ષી 24 એજન્ડાને મંજૂરીની મહોર લાગતાં બેઠક પૂર્ણ થઈ હતી.
