Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

1994 બાદ પહેલીવાર વાંકલમાં ભયાનક પૂર: ભૂખી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, 15 મિનિટમાં ઘરોમાં ઘૂસ્યાં પાણી : માંગરોળ-ઉમરપાડાના 41 રસ્તા બંધ, અનેક ગામોના લોકોનું સ્થળાંતર; રેડ એલર્ટ વચ્ચે તંત્રની રેસ્ક્યૂ કામગીરી તેજ

Share

 

વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદે 1994ના વિનાશક પૂરની યાદ તાજી કરાવી છે. કીમ નદી અને ભૂખી નદીમાં આવેલા વિકરાળ પૂરના કારણે વાંકલ સહિતના અનેક વિસ્તારોમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ હતી. બપોરે અંદાજે 2 વાગ્યાના સુમારે માત્ર 15થી 20 મિનિટના ટૂંકા ગાળામાં જ પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં લોકોને ઘરવખરી ખસેડવાનો સમય પણ મળ્યો નહોતો.

Advertisement

વાંકલના ગામીત ફળિયા, બજેટ ફળિયા અને બોમ્બે ફળિયા સહિતના વિસ્તારોમાં ઘરો અને તબેલાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘરોમાં ભરાયેલા પાણીના કારણે ટીવી, ગેસના બાટલા, ફર્નિચર અને અન્ય કિંમતી ઘરવખરી પાણીમાં તણાઈ જતાં રહેવાસીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 1994 બાદ આટલી ગંભીર પૂર જેવી સ્થિતિ પ્રથમ વખત જોવા મળી છે.

પૂરની ગંભીર પરિસ્થિતિને પગલે વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ગ્રામ્ય DYSP બી. કે. વનાર, માંગરોળ પોલીસ, મામલતદાર તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી બચાવ અને સ્થળાંતરની કામગીરી હાથ ધરી હતી. નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. વાંકલ-ગડકાછ માર્ગ પરનો પુલ પાણીમાં ગરકાવ થતાં તેને સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો. માંગરોળ તાલુકાના 30 અને ઉમરપાડા તાલુકાના 11 મળી કુલ 41 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. માંગરોળ-નાનીપારડી, માંગરોળ-વાલીયા, માંગરોળ-ભીલવાડા અને માંગરોળ-વાંકલ મુખ્ય માર્ગો પણ પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યા છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લુવારા, વાંકલ, રણકપોર, ભીલવાડા, ગડકાછ, લીંબાડા સહિતના અનેક ગામોના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી તેમના સગાસંબંધીઓના ઘરે તેમજ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પરિસ્થિતિની સમીક્ષા માટે વાંકલના સરપંચ અનિતાબેન ચૌધરી, ડેપ્યુટી સરપંચ શૈલેષ મૈસુરીયા, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ડો. યુવરાજસિંહ સોનારિયા, તાલુકા પંચાયત સભ્ય ઉજાસ ચૌધરી સહિત સ્થાનિક આગેવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લોકોને જરૂરી સહાયની ખાતરી આપી હતી.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા માંગરોળ અને ઉમરપાડા તાલુકાનું સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. તંત્રે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદી-નાળા અને પૂરના પાણી જોવા જવાનું ટાળવા તેમજ સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે. સાથે જ નદી કિનારાના ગામોને વિશેષ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


Share

Related posts

ભરૂચના કતોપોર બજાર યુનાઈટેડ મર્ચન્ટ એસોસીએશનના વેપારીઓ અને નગરપાલિકા વિપક્ષ દ્વારા પ્રમુખ અને મુખ્ય અધિકારીને રજુવાત… જાણો શુ ?

ProudOfGujarat

માંગરોળ : વાંકલ બજારમાં હાઇવા ટ્રકે મહિલાને અડફટે લીધી.

ProudOfGujarat

હાલોલ : પાવાગઢ મંદિરે ૫૦૦ વર્ષ પછી ધજા ચઢાવાઈ, પી.એમ મોદી રહ્યા હાજર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!