વડોદરા જિલ્લાના ૨૮૯૧ લાભાર્થીઓ જેઓ દેશી ગાય પાળી અને તેના ગોબર તથા ગૌમૂત્રના આધારે, કોઈપણ રાસાયણિક ઇનપુટનો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક ખેતી કરે છે, તેમને દેશી ગાય નિભાવ ખર્ચ સહાયની રાજ્ય સરકારની યોજનાનો લાભ મળી રહ્યો છે.
આત્મા પ્રોજેકટ, વડોદરા પાસેથી મળતી માહિતી અનુસાર આ યોજના હેઠળ તેને લગતા સરકારી ઠરાવોને અને ગ્રાન્ટની ઉપલબ્ધિને આધીન એક ગાય માટે માસિક રૂ.૯૦૦ પ્રમાણે, દર ત્રણ મહિને નિભાવ ખર્ચ ચૂકવવામાં આવે છે.
વિગતવાર માહિતી પ્રમાણે આપતાં યોજના શરૂ થયા પછી ૨૦૨૦ – ૨૧ માં એપ્રિલથી માર્ચ દરમિયાન ૨૨૧૦ લાભાર્થીઓ સહાયને પાત્ર હતા. તે પછી ૨૧/૨૨ ના વર્ષમાં પાત્રતા ધરાવતા વધુ ૬૮૧ લાભાર્થીઓ ઉમેરાયા. આમ, કુલ લાભાર્થી ૨૮૯૧ છે અને તબક્કાવાર રૂ.૨૬૦.૨૬ લાખની નિભાવ સહાય ચુકવવામાં આવી છે.
યોજનાના પારદર્શક અમલ માટે સમયાંતરે ખેડૂતે દેશી ગાય નિભાવી છે? પ્રાકૃતિક ખેતી ચાલુ રાખી છે? તેની ચકાસણી કરવામાં આવે છે. ચકાસણીના માપદંડોને આધીન હાલમાં વડોદરા જિલ્લામાં કુલ ૨૮૯૧ લોકો નિભાવ ખર્ચ સહાયની પાત્રતા યાદીમાં છે.