પોલીસે મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી
ભરૂચ જિલ્લાના આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં મનરેગાના કામોમાં ૭.૩૦ કરોડની ગોબાચારીનો મામલો
। ભરૂચ |
ભરૂચ જિલ્લાના આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં ૧૧ ગામોમાં મનરેગા હેઠળના કામમાં વેરાવળની બે એજન્સીઓ મુરલીધર એન્ટરપ્રાઈઝ અને જલારામ એન્ટરપ્રાઈઝ દ્વારા ૭.૩૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ જેની ફરિયાદ ભરૂચ એ.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા તેમજ હાંસોટ તાલુકા પંચાયતના ટેકનીશ્યન રાજેશ ટેલરની ગુરૂવારે પરપકડ કરી હતી રાત્રિ દરમ્યાન બંન્નેની પુછપરછમાં હીરા જોટવાના પુત્ર દિગ્વિજયની સંડોવણીનો ખુલાસો થતાં પોલીસે જુનાગઢથી તેની પણ ધરપકડ કરી છે. ફરિયાદ થવા બાદની ૨૮ દિવસની તપાસમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.
ગુજરાતમાં દાહોદમાં બચુ ખાબડના પુત્રો દ્વારા મનરેગા કૌભાંડ આચરવાની ઘટના બાદ ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ સામે આવ્યુ હતુ. વેરાવળની બે એજન્સીઓ મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઇઝને ભરૂચ જિલ્લાના મનરેગાના કામો ફાળવવામાં આવ્યા હતા. જેમાં હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકાના ૧૧ ગામોમાં 56 જેટલા કામોમાં ૭.૩૦ કરોડની ગોબાચારી સામે આવતા બંન્ને એજન્સીઓના પ્રોપરાઈટર પિયુષ રતિલાલ નુકાણી અને જોધા નારાયણ સભાડ સામે ભરૂચ એ.ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ દરમ્યાન બન્ને એજન્સીઓના પ્રોપરાઈટર માત્ર કટપુતલી હોય મુખ્ય સુત્રધાર જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ગઈકાલે ગુરવારે હીરા જોટવા તેમજ ભરૂચમાં સમગ્ર કૌભાંડમાં તેમને મદદરૂપ થનાર હાંસોટ તાલુકા પંચાયતમાં કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતા રાજેશ મહાદેવ ટેલરની ધરપકડ કરી હતી.
આખી રાત દરમ્યાન તેમની ઉલટ તપાસ કરવામાં આવતા માલુમ પડયુ હતુ કે, બંન્ને એજન્સીઓના એકાઉન્ટમાંથી હીરા જોટવાના દિગ્વિજય રોડવેઝ અને તેમના પુત્ર દિગ્વિજયના જોટવા એન્ટરપાઈઝમાં રૂપિયા ટ્રાન્સફર થતા હતા જેના પગલે પોલીસે દિગ્વિજય જોટવાની પણ જુનાગઢથી ધરપકડ કરી તેને ભરૂચ લાવવાની કવાયત હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધીમાં મનરેગા કાંડમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલાં ત્રણેયના એકાઉન્ટ તેમજ મોબાઈલ ડિટેઈલની તપાસ ચાલી રહી છે ત્યારે મામલામાં અન્ય કેટલા રાજકીય લોકો તેમજ સરકારી અધિકારી, કર્મચારી સંડોવાયેલા છે તેની વિગત મળે તેમ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
હીરા જોટવાએ કહ્યુ સત્ય પરેશાન થઈ શકે છે પરાસ્ત નહીં મનરેગા કૌભાંડમાં જુનાગઢના કોંગ્રેસી આગેવાન હીરા જોટવાની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. ઉપરાંત તેમના પુત્રની કૌભાંડમાં સંડોવણી હોવાનું જણાવ્યુ છે ત્યારે હીરા જોટવાએ તમામ પ્રકરણમાં રાજકારણ હોવાની કેફીયત રજૂ કરી હતી તેમજ તેમણે જણાવ્યુ હતુ કે, સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાસ્ત નહી. પોલીસની તપાસ બરાબર ચાલે છે મને પોલીસની તપાસ પર અને તંત્ર પર વિશ્વાસ છે જે સત્ય હશે તે બહાર આવશે.
હાંસોટના ટેકનીશ્યન રાજેશ ટેલરના ખાતામાં ૪૦ લાખની લેવડ-દેવડ ભરૂચ પોલીસ દ્વારા મનરેગા કૌભાંડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સુત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝના કામોમાં હાંસોટ ટીડીઓ કચેરીમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા રાજેશ ટેલરની ભૂમિકા શંકાસ્પદ જણાય હતી. રાજેશ ટેલરના હીરા જોટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજય સાથે અંગત સંબંધો બંધાવ્યા હોવાનું ચર્ચાય રહ્યું છે. હાંસોટ સિવાય આમોદ અને જંબુસરમાં પણ બન્ને એજન્સીઓ દ્વારા જે કામો કરવામાં આવ્યા હતા તેના એસ્ટીમેન્ટ રાજેશ ટેલર દ્વારા જ તૈયાર કરવામાં આવતા હતા. જે ઍસ્ટીમેન્ટ તેઓ દિગ્વિજપને વોટસએપ પર મોકલતા અને દિગ્વિજય દ્વારા તેને પાસ કરવામાં આવે ત્યારે તે એસ્ટીમેન્ટના આધારે કામ કરવામાં આવતુ હતુ. સુત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર દિગ્વિજયે રાજેશ ટેલરના ખાતામાં તબક્કાવાર રીતે ૪૦ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી. જેના કારણે સમગ્ર મામલામાં તેની પણ મુખ્ય ભૂમિકા હોવાનું જણાય રહ્યુ છે.
અન્ય ૪૩૦ કામોની તપાસના અહેવાલ મંગાવાયા છે જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકામાં ૧૧ ગામોમાં થયેલા 56 કામમાં અંદાજે 7.30 કરોડની ખાયકી મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સીએ કરી છે ત્યારે તેમના દ્વારા જિલ્લામાં કુલ ૪૩૦ જેટલા કામો કરવામાં આવ્યા છે જેના પગલે ડીડીઓ દ્વારા તે તમામ કામોની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનો પોલીસે જણાવ્યુ છે. ડીડીઓ દ્વારા આ તપાસનો અહેવાલ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવે ત્યારે મનરેગાના કૌભાંડનો આંક હજુ ઘણો વધી જાય તેવી શકયતાઓ નકારી શકાય તેમ નથી.
હીરા જોટવાના પુત્રની જુનાગઢમાં ધરપકડ કરી છે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા મનરેગા કૌભાંડને લઈને ભરૂચ એ.ડીવીઝનમાં કરિયાદ નોંધવામાં આવી હતી. જે માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમનું ગઠન કરાયું હતુ જેની તપાસ પીઆઈ આર એમ વસાવા ચલાવી રહ્યા છે. તપાસ દરમ્યાન કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચો, મનરેગા જોબકાર્ડ ધરાવનાર લોકો સહિતનાઓના નિવેદનો લેવામાં આવ્યા છે. અંત્રે એજન્સીઓના એકાઉન્ટ તેમજ મોબાઈલ ડીટેઈલ સહિતની વિગતો એકત્ર કરવામાં આવતા બંન્ને એજન્સીનું મુળ સંચાલન જુનાગઢના હીરા જોટવા કરતા હોવાનું માલુમ પડતા તેમની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમ્યાન તેમના પુત્રના ખાતામાં નાણાંકીય વ્યવહાર થયો હોય તેની પણ સંડોવણી બહાર આવતા અમારી ટીમે હાલમાં જુનાગઢથી હીરા જોટલા પુત્ર દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરી છે. ઉપરાંત હાંસોટના ટીડીઓ કચેરીમાં ફરજ બજીવતા ટેકનીશ્યન રાજેશ ટેલરની પણ ધરપકડ કરાઈ છે. હાલમાં તપાસ ચાલી રહી છે જેમ જેમ તપાસ થશે તેમ તેમ આરોપીઓને સંકજામાં લેવાશે. -મયુર ચાવડા, એસપી, ભરૂચ.
બંન્ને એજન્સીઓના પ્રોપરાઈટર પોલીસ પકડથી હાથવેંટ દુર ૩૦ મે ના રોજ ઈન્ચાર્જ ડીઆરડીએ દ્વારા ભરૂચ એ.ડીવીઝન પોલીસ મથકે વેરાવળની મુરલીધર અને જલારામ એન્ટરાઈઝ વિરૂધ્ધ મનરેગાના કામોમાં ૭.૩૦ કરોડની ખાયકી કર્યા આક્ષેપ સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી જેના પગલે કૌભાંડમાં સંડોવાયેલા જુનાગઢના હીરા જોટવાની પોલીસે ધરપકડ કરી છે બંન્ને એજન્સીઓના પ્રોપરાઈટર પિપુષ નુકાણી અને જોધા સભાડ હીરા જોટવાના જ ડમી માણસ હોવાનું પાથમિક તપાસમાં બહાર આવ્યુ છે ત્યારે હીરા જોટવા અને તેમના પુત્રની ધરપકડ બાદ બંન્ને પ્રોપરાઈટરોની પણ ધરપકડના ચક્રો ગતિમાન કરાતા ટુંક સમયમાં જ અંત્રે પોલીસ સંકજામાં આવે તેવી શકયતાઓ વર્તાઈ રહી છે.
