દૂધધારા ડેરીનું ઈલેક્શન હવે હારજીત સુધી મર્યાદિત ન રહી અહમનો પ્રશ્ન બન્યો
। ભરૂચ ।
ભરૂચ દૂધધારા ડેરીનું ઈલેક્શન હવે હારજીત સુધી મર્યાદિત ન રહી અહમનો પ્રશ્ન બની ગયો છે. આગામી ૧૯મીએ ચૂંટણી હોઈ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે એક હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી દુધધારા ડેરીમાં સત્તા હાંસલ કરવા હવે એક એક મત મહત્વનો હોવાથી ઉમેદવારોને ફોડવાનો, ખરીદવાનો દોર શરૂ થઈ ગયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. મતદારોને ખરીદવા માટે પક્ષકારોએ રૂપિયાની પોટલી ખોલી દેતાં એક વોટ માટે ૩ લાખ રૂપિયા બોલાઈ રહ્યા હોવાનું રાજકિય સુત્રોએ જણાવ્યું છે. જેના કારણે હવે ડેરીનું ઈલેક્શન ભારે ચર્ચાની એરણે છે.
ભરૂચ દૂધધારા ડેરીની ચૂટણી હવે વર્ચસ્વ અને અહમની લડાઈ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ પક્ષના મેન્ડેડ વિરૂદ્ધ અરૂણસિંહ રણાએ પોતાની પેનલ ઉતારતાં રાજકિય માહોલ ગરમાયો છે. પક્ષે અરૂણસિંહની પેનલના અને મેન્ડેડ વિના ચૂંટણીમાં ઉમેદવારી કરનારા ભાજપના ૯ સભ્યોને પક્ષે સસ્પેન્ડ કર્યા છે. તેમ છતાં અરૂણસિંહે પોતાના ઉમેદવારો સાથે ચૂંટણી લડવાનો હૂંકાર કરી પક્ષની સામે બળવો કર્યો છે. ત્યારે પ્યાદાઓ પર તો પક્ષે પ્રહાર કર્યો પણ મુખ્ય સુત્રધાર એવા અરૂણસિંહ રણાના વ્યક્તિત્વ સાથે પક્ષ કોઈ છેડછાડ કરશે કે કેમ તેના પર લોકોની મીટ મંડાઈ છે.
એક હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી દૂધધારા ડેરીની સત્તાની કમાન હાથમાં લેવા માટે ઘમાસાણ છેડાયો છે. સહકારી ક્ષેત્રમાં મતદારોનો એક એક મત ઘણો મહત્વનો હોય છે ત્યારે ભરૂચ દુધધારા ડેરીમાં એકદંરે પહેલીવાર બે પેનલ આમને સામને આવતા મતદારોનો મોલ વધી ગયો છે. દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ઉમેદવારોને ખરીદવાના પ્રયાસ થતા હોવાની ચર્ચાઓનો દોર ગરમ થયો છે. ડેરીના ઈલેક્શનમાં એક વોટ માટે ૩ લાખ રૂપિયા બોલાઈ રહ્યા હોવાનું રાજકિય સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અંતિમ સમયે ઉમેદવારોને ઉઠાવી જવાય તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી.
દૂધધારા ડેરીના નુકશાનકર્તાઓને જ શાસનમાં આવવું છે દૂધધારા ડેરીની સ્થાપનાથી લઈને અત્યાર સુધી પશુપાલકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. સાથે સાથે દૂધધારા ડેરીનો પણ સતત વ્યાપ વધારવાના પ્રયાસ થયાં છે. જોકે, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ગંગોત્રી નામની પોતાની ખાનગી ડેરી બનાવી છે. જેમાં જિલ્લા બહારથી દૂધ મંગાવીને વાગરા પંથકમાં પોતાના વર્ચસ્વથી તેનું ગંગોત્રી ડેરીના દૂધનું જ વેચાણ કરાવે છે. દૂધધારા ડેરીનું દૂધ વાગરા પંથકમાં એટલે કે ઔદ્યોગિક વસાહતોની કેન્ટીનો સહિતના વિસ્તારમાં જવા દેતાં નથી. જેના કરણે ડેરીને ભારે નુકસાન થાય છે. તે જ ડેરીમાં સત્તા મેળવશે તો દૂધધારા ડેરીને મળતું દૂધ તેમની ડેરી તરફ વાળે તો નવાઈ નહીં તેમ ધનશ્યામ પટેલે જણાવ્યુ હતુ.
સહકારીક્ષેત્રમાં અરૂણસિંહનો એક્કો વાગશે કે ધક્કો વાગશે તેવી ચર્ચા અરૂણસિંહ રણા વર્ષોથી ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠાં છે. જોકે, હવે તેમણે દૂધધારા ડેરીમાં પોતાની પેનલ ઉતારી છે. ત્યારે જો તો ના સંજોગોમાં જો તેમની પેનલ જીતી જાય તો બે સહકારી ક્ષેત્રો પર તેમનો દબદબો બની જશે. આવનારા સમયમાં તેઓ બંન્ને સહકારી સંસ્થાઓના જોરે પક્ષ સામે પોતાને મનફાવે તેવી ટિકિટ મેળવવાનો પ્રયાસ થઈ શકે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અરૂણસિંહે પક્ષના વિરૂદ્ધમાં જતાં સહકારી ક્ષેત્રમાં તેમનો એક્કો વાગશે કે હવે જયાં સત્તા છે ત્યાંથી ધક્કો વાગશે તે જોવું રહ્યું.
પ્રકાશ દેસાઈ ઉમેદવારોના પ્રચારમાં જોડાતા નથી આગામી ૧૯મી સપ્ટેમ્બરે યોજાનારી દુધધારા ડેરીના ઈલેક્શનમાં ઉમેદવારી નોંધાયા બાદ ભાજપના મેન્ડેડના આધારે ઝઘડિયાના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યાં છે. ઉમેદવારોના પ્રચાર-પ્રસાર માટે બંન્ને પક્ષના લોકો મેદાને ઉતર્યા છે ત્યારે ભાજપના મેન્ડેડ પર ઉભા રહેલાં અન્ય ઉમેદવારોના પ્રચાર પ્રસારમાં કોઈ સ્થળે ઉભા રહ્યાં ન હોવાનો આક્ષેપ ઘનશ્યામ પટેલે કર્યો છે. તેમણે ઉમેર્યું છે કે, તે મામલે તેઓ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે. - ઘનશ્યામ પટેલ, ચેરમેન, દૂધધારા ડેરી.
