યુવા શક્તિ સાથે રાષ્ટ્ર નિર્માણનો સંદેશ : માય ભારતનો સરદાર@150 અભિયાનની શરૂઆત
ભરૂચ જિલ્લામાં વિધાનસભા પ્રમાણે “એક ભારત- આત્મનિર્ભર ભારત”ની થીમ હેઠળ પદયાત્રા યોજાશે
ભરૂચ.
ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયના માય ભારત (મેરા યુવા ભારત ) દ્વારા વિકસિત ભારત પદયાત્રાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન થઈ રહ્યું છે. “એક ભારત- આત્મનિર્ભર ભારત”ની થીમ હેઠળ જિલ્લા કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રાની વિગતો માટે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં સર્કીટ હાઉસ ભોલાવ, ભરૂચ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જિલ્લા કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રાની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, સરદાર પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત માય ભારતની આગેવાનીમાં ભરૂચ જિલ્લામાં વિધાનસભા પ્રમાણે “એક ભારત- આત્મનિર્ભર ભારત”ની થીમ હેઠળ પદયાત્રા યોજાશે. જિલ્લા કક્ષાની પદ યાત્રા 31 ઓક્ટોબર – 25 થી નવેમ્બર 2025 સુધીમાં સંભવત યોજાનાર છે. આ પદયાત્રા ભરૂચ જિલ્લામાં વિધાનસભા પ્રમાણે અલગ ૮- ૧૦ કિમી લાંબી માર્ચ રહેશે. પદયાત્રા પહેલા આરોગ્ય શિબિરો વ્યાખ્યાનો, ચર્ચાઓ અને નશા મુક્ત ભારતના શપથ જેવા કાર્યક્રમો પણ યોજાશે. પદયાત્રા દરમિયાન સરદાર પટેલની પ્રતિમા/ચિત્ર પર શ્રધાંજલિ, આત્મનિર્ભર ભારત શપથ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ થશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા પ્રધાનો, સાંસદો, સ્થાનિક વહીવટી તંત્ર, માય ભારત અને એનસીસી અધિકારીઓ આ યાત્રાઓનું નેતૃત્વ કરશે.
તેમજ રાષ્ટ્રીય પદયાત્રા (26 નવેમ્બર – 6 ડિસેમ્બર 2025) દરમ્યાન યોજાનાર છે. ગુજરાત રાજ્યમાં કુલ 152 કિ.મી.ની પદયાત્રા કરમસદ (સરદાર પટેલના જન્મસ્થળ) થી એકતાની પ્રતિમા, (સ્ટેચ્યુ ઓફ યુનિટી) કેવડિયા સુધી લઈ જવામાં આવશે. રસ્તાના ગામોમાં સામાજિક વિકાસ કાર્યક્રમો યોજાશે. જેમાં માય ભારત, એનએસએસ અને યુવા નેતાઓ ભાગ લેશે. 150 જગ્યાની છાવણીઓ પર સરદાર પટેલના જીવન અને ભારતની વિવિધ સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા અગ્રણી પ્રકાશ મોદી, પદયાત્રાના જિલ્લા ઈન્ચાર્જ કન્વિનર રશ્મિકાંત પંડ્યા, ભરૂચ પ્રાંત અધિકારી મનિષા મનાણી, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી મિતાબેન ગવલી, રમત- ગમ્મત અધિકારી રાજન ગોહિલ, માય ભારત ભરૂચના ડેપ્યુટી ડાયકેક્ટર પંકજ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.
