ભરૂચ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી શંકાશીલ પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવી 12 વર્ષનો ઘરસંસાર બચાવ્યો છે.
માહિતી મુજબ, પીડિત મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ નશાની હાલતમાં તેના પર ખોટા વહેમ રાખી વારંવાર મારઝૂડ તેમજ ઝઘડા કરતો હતો. ફરિયાદ મળતાં જ 181 અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું હતું. દરમિયાન જાણવા મળ્યું કે દંપતીને લગ્નને 12 વર્ષ પૂર્ણ થયા છે અને તેમને બે દીકરીઓ છે.
પીડિતાએ જણાવ્યું હતું કે તેનો પતિ તેના પર અન્ય પુરુષ સાથે સંબંધ હોવાના ખોટા આક્ષેપો કરતો હતો. જોકે, આવા આક્ષેપ અંગે પુરાવા માંગતાં પતિ કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. સતત ચાલતા આ તણાવથી પીડિતા માનસિક રીતે વ્યથિત થઈ ગઈ હતી. વધુ તપાસમાં બહાર આવ્યું કે પતિના અગાઉ અન્ય મહિલા સાથે સંબંધ રહ્યા હતા અને પીડિતાને છૂટાછેડા આપવા માટે તે ખોટા આક્ષેપો કરી રહ્યો હતો. પીડિતાએ પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને છૂટાછેડા ન લેવાનો નિર્ણય વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ અભયમ ટીમ દ્વારા પતિનું કાઉન્સેલિંગ કરી તેને કાયદાકીય સમજ આપવામાં આવી હતી. સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની પાસે માફી માંગી અને ભવિષ્યમાં આવી હરકતો ન કરવાની લેખિત ખાતરી આપી હતી.
આ રીતે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના પ્રયત્નોથી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન થઈ પરિવાર બચાવવામાં સફળતા મળી છે. પીડિતાએ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
