ભરૂચ :
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે મતદાન તા. ૨૬ એપ્રિલ અને મતગણતરી તા. ૨૮ એપ્રિલે યોજાનાર છે. ચૂંટણીને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ બનાવવા માટે ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ની કલમ-૧૨૬ તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરીને મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મુખ્ય પ્રતિબંધો:
- મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા કોઈપણ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં.
- રાજકીય પક્ષો, ઉમેદવારો, એજન્ટો કે સમર્થકો દ્વારા રાજકીય પ્રકારના SMS (શોર્ટ મેસેજ) મોકલવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- પ્રચાર સમય પૂર્ણ થયા બાદ બહારથી લાવવામાં આવેલા કાર્યકરો, પ્રચારકો કે સમર્થકો મતવિસ્તારમાં રોકાઈ શકશે નહીં.
આ નિર્ણયનો મુખ્ય હેતુ મતદારોને પ્રભાવિત કરવાની કોઈપણ શક્યતાઓને અટકાવવાનો છે, જેથી ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાઈ શકે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
અમલ સમયગાળો:
આ હુકમ તા. ૨૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યાથી અમલમાં આવીને તા. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી લાગુ રહેશે.
દંડની જોગવાઈ:
આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ નોંધાવવા માટે પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ અથવા તેથી ઉપરના અધિકારીઓને સત્તા આપવામાં આવી છે.
આ અંગેની વિગતવાર માહિતી ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ દ્વારા જાહેર કરાયેલ અખબારી યાદીમાં આપવામાં આવી છે.
