Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જૂના તવરા ગામે ખનીજ વિભાગના દરોડા : નર્મદા નદીના પટમાંથી અંદાજે રૂ. ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત, ખનીજ ચોરી કરનારાઓ સામે કાર્યવાહી

Share

ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને રેતી ચોરી સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના પટમાં ચાલી રહેલા બિનઅધિકૃત સાદી રેતી ખનન સામે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ વિભાગે દરોડા પાડી બે એક્સેવેટર મશીનો ઝડપી પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, શનિવારના રોજ જૂના તવરા ગામના ગ્રામજનોએ ખનીજ ચોરી અને ગેરકાયદે રેતી ખનન અંગે ખનીજ વિભાગ સમક્ષ મૌખિક રજૂઆતો કરી હતી. ગ્રામજનોએ નર્મદા નદીના પટમાં સતત ચાલી રહેલી ખનીજ પ્રવૃત્તિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ફરિયાદને ગંભીરતાથી લઈ ભરૂચના ભુસ્તરશાસ્ત્રીની સૂચના મુજબ ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ખનીજ વિભાગની ટીમ જ્યારે જૂના તવરા ગામ નજીક નદીના પટમાં પહોંચી ત્યારે ત્યાં સાદી રેતીનું બિનઅધિકૃત રીતે ખનન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન સ્થળ પરથી ૦૧ ટાટા હિટાચી એક્સેવેટર મશીન તથા ૦૧ હ્યુન્ડાઇ એક્સેવેટર મશીન મળી આવ્યા હતા. બંને મશીનોનો ઉપયોગ ગેરકાયદે રેતી ખનનમાં કરવામાં આવતો હોવાનું જણાતા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બંને મશીનો સીઝ કર્યા હતા.
ખનીજ વિભાગે કુલ ૨ એક્સેવેટર મશીનો સહિત અંદાજે રૂ. ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલ હાલ તવરા ગામના સરપંચની કસ્ટડીમાં સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજ ખનન કરનાર તત્વો સામે નિયમોનુસાર દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ખનીજ ચોરી સામે સતત ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રહેશે અને કુદરતી સંપત્તિના ગેરકાયદે શોષણને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
સ્થાનિક ગ્રામજનોએ ખનીજ વિભાગની કાર્યવાહીનું સ્વાગત કર્યું હતું અને નર્મદા નદીના પટમાં સતત થતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

Share

Related posts

સબ ઠીક હૈ નો દેખાડો : ભરૂચ નગરપાલિકા દ્વારા બંધાયેલ અર્બન હોમ સેન્ટરમાં ફાયર સિસ્ટમની અપૂરતી સુવિધાઓ.

ProudOfGujarat

વાલિયાના જબુગામ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર દંપતિને ગંભીર ઇજા

ProudOfGujarat

ભરૂચ પોલીસ હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા તાલીમ વર્ગની પૂર્ણાહુતી નિમિત્તે પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!