ભરૂચના આત્મીય હોલ ખાતે રાજ્યના આચાર્ય દેવવ્રત ના અધ્યક્ષસ્થાને શુક્લ યજુર્વેદ માધ્યંદિન શાખાના ઘન પારાયણ નિમિત્તે ભવ્ય ‘વેદમૂર્તિ સન્માન સમારોહ’ યોજાયો હતો. રાષ્ટ્રકલ્યાણ અને સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષને સમર્પિત આ કાર્યક્રમમાં વૈદિક પરંપરાનો ગૌરવમય મહિમા ઉજાગર થયો હતો.
કાર્યક્રમ દરમિયાન ૧૯ વર્ષની નાની વયે ૨૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર “દંડકમ” પારાયણ કરનાર વેદમૂર્તિ દેવવ્રત રેખે સહિત કુલ આઠ વેદપાઠીઓનું રાજ્યપાલના હસ્તે પ્રશસ્તિપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વૈદિક મંગલાચરણથી કરવામાં આવી હતી. પૂર્વમંત્રી ખુમાનસિંહ વાસિયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે, “વેદો એ જ સૃષ્ટિનું આદિ જ્ઞાન અને માનવ સભ્યતાનું મૂળ છે.” તેમણે ઉમેર્યું કે ભારતની ઓળખ જ વૈદિક સંસ્કૃતિથી થાય છે અને વેદો સમગ્ર માનવજાતને સાચા અર્થમાં ‘મનુષ્ય’ બનાવવાનું કાર્ય કરે છે.
વેદોના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્ત્વ પર પ્રકાશ પાડતા રાજ્યપાલએ જણાવ્યું કે વેદ ‘અપૌરુષેય’ એટલે કે ઈશ્વરીય જ્ઞાન છે, જે સૃષ્ટિના પ્રારંભે ચાર ઋષિઓના હૃદયમાં પ્રગટ થયું હતું અને ગુરુ-શિષ્ય પરંપરાથી આજે સુધી અવિરત રીતે જળવાયું છે.
તેમણે વિદેશી આક્રમણો દરમિયાન ભારતીય જ્ઞાનસંપત્તિને નષ્ટ કરવાની કોશિશોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, વૈદિક બ્રાહ્મણ પરિવારોના અથાગ યોગદાનથી જ વેદો આજે પણ અક્ષુણ્ણ છે. પોતાના સંતાનોને વૈદિક અધ્યયન માટે સમર્પિત કરનારા પરિવારોને તેમણે સમાજ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.
“મનુર્ભવ”ના વૈશ્વિક સંદેશનો ઉલ્લેખ કરતા રાજ્યપાલએ પરસ્પર પ્રેમ, કરુણા અને માનવતાના મૂલ્યો અપનાવવા આહ્વાન કર્યું હતું. સાથે જ તેમણે દેશને ફરી વિશ્વગુરુ બનાવવા માટે વેદો તરફ પાછા વળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, સિદ્ધિવિનાયક મંદિર પરિવાર ના ટ્રસ્ટી જયપાલસિંહ માંગરોલા, વેદમૂર્તિ કરણભાઈ રાવલ, નીરજભાઈ ખાડી સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
