સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે રહેતા નિલેશ જેજેરામ દેસાણી પોતાના આઇસર ટેમ્પો પર ડ્રાઇવિંગ કરી રોજગાર મેળવતા હતા. તેમની સાથે ક્લિનર તરીકે બાયડના હર્ષદસિંહ ઉદેસિંહ ચૌહાણ તથા તલોદના વનરાજસિંહ જસવંતસિંહ ઝાલા ફરજ બજાવતા હતા. ગત 26મી મેના રોજ ત્રણેય જણા પોતાના આઇસર ટેમ્પો લઈને તલોદથી મહારાષ્ટ્રના દહિવેલ ગામ ખાતે માલ ભરવા માટે ગયા હતા. ત્યાંથી તેમણે ટેમ્પોમાં ડુંગરી ભરી હતી અને તે માલ બાયડ ખાતે ખાલી કરવા માટે પરત ફરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, તેઓ સુરત તરફથી એક્સપ્રેસ-વે પર ચઢ્યા બાદ અંકલેશ્વર અને નર્મદા બ્રિજ પસાર કરીને વડોદરા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન દહેજ ઉતરવાના કટ નજીક રોડ પર એક ટેન્કર બ્રેકડાઉન હાલતમાં ઉભું હતું. જેના કારણે નિલેશ દેસાણીએ સાવચેતીના ભાગરૂપે પોતાનો આઇસર ટેમ્પો ટેન્કરની પાછળ ઉભો રાખ્યો હતો.
ત્યારબાદ નિલેશ દેસાણી અને ક્લિનર વનરાજસિંહ ગાડીમાંથી ઉતરી રોડની ખાલી સાઇડમાં જઈ ઉભા રહ્યા હતા. જ્યારે બીજો ક્લિનર હર્ષદસિંહ વાહનની પાછળ અન્ય વાહનોને ચેતવણી મળે તે માટે બેરિકેટ મૂકવા ગયો હતો. એ દરમિયાન પાછળથી આવી રહેલા એક ટેમ્પાના ચાલકે ગફલતભરી અને બેદરકારીપૂર્ણ રીતે પોતાનું વાહન હંકારી લાવી આઇસર ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણ બાદ ટેમ્પો બેકાબૂ બની રોડની સાઇડમાં જઈને ઉભો રહી ગયો હતો. જ્યારે અકસ્માત સર્જનાર ટેમ્પોનો ચાલક ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ નિલેશ દેસાણી અને વનરાજસિંહ તાત્કાલિક પાછળ દોડી ગયા હતા, જ્યાં હર્ષદસિંહ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં હાઇવે એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હર્ષદસિંહને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન રાત્રિના આશરે 3:29 કલાકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતના સમાચાર મળતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
આ બનાવ અંગે નિલેશ જેજેરામ દેસાણીએ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફરાર ચાલકને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
