દેશભરમાં બાંગ્લાદેશી ઘુસપેઠીઓને શોધવા માટે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. બાંગ્લાદેશી ઘુસણખોરોની સંભવિત હાજરી અંગે મળેલી બાતમીના આધારે ભરૂચ જિલ્લા પોલીસે વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
જિલ્લા SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ આખી રાત વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમના ઓળખપત્રો, આધારકાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
પોલીસે ખાસ કરીને ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, મજૂરોના વસવાટ વિસ્તારો તેમજ અન્ય સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં તપાસ ચલાવી હતી. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોની માહિતી મેળવવાના હેતુથી આ વિશેષ અભિયાન હાથ ધરાયું હોવાનું જાણવા મળ્યું છે.
મોડી રાત સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન કોઈ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સમગ્ર મામલે હવે પોલીસ તંત્રના અધિકૃત નિવેદન અને સર્ચ ઓપરેશનના અંતિમ પરિણામોની રાહ જોવાઈ રહી છે.
