અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમ વિસ્તારમાંથી એક દીપડી પાંજરે પૂરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગામની આસપાસ દીપડાની અવરજવર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરતા વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બે પિંજર મુકવામાં આવ્યા હતા. દરમિયાન ગઈકાલે મોડી રાત્રે અંદાજે ત્રણ વર્ષીય દીપડી પાંજરે પૂરાઈ ગઈ હતી. દીપડી પાંજરે પુરાતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા.
વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી દીપડીને કબ્જામાં લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં દીપડી સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વિસ્તારમાં હજુ વધુ દીપડાઓ હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વધુ પિંજર મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલી દીપડીની તબીબી તપાસ કરવામાં આવશે. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. હાલ ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેતી રાખવા અને એકલા બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.
દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે, ત્યારે વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ શરૂ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
