ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબના MIPRIC હોલ ખાતે ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે વિશેષ “પ્રોટીન કીટ વિતરણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઇનર વ્હીલ ક્લબ અને જિલ્લા પંચાયત ભરૂચની આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
“સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક” ના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મુનીરા શુક્લા એ માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં 42 કિલોથી ઓછું વજન ધરાવતી આશરે 1658 સગર્ભા માતાઓ નોંધાઈ છે. જેમાંથી ભરૂચ તાલુકાની 388 માતાઓ પૈકી શહેરી વિસ્તારની 150 માતાઓને હાલના તબક્કે આ યોજનામાં સામેલ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત દરેક સગર્ભા માતાને 250 ગ્રામના ત્રણ પ્રોટીન કીટ આપવામાં આવી રહ્યા છે, જે તેમને ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી પોષણ પૂરું પાડવામાં મદદરૂપ બનશે.
કાર્યક્રમને વધુ જાગૃતિમય બનાવવા માટે ‘જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ની બહેનો દ્વારા પોષણ અને માતા-બાળકના આરોગ્ય વિષયક સંદેશ આપતું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિતોએ વખાણ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન રાજ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુનીલ સિંગ, ઇનર વ્હીલ ક્લબ ભરૂચ ના પ્રમુખ યજ્ઞા ત્રિવેદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અંતે મહાનુભાવોના હસ્તે સગર્ભા માતાઓને પ્રોટીન કીટનું વિતરણ કરી તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
