ભરૂચ:
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને ભડકોદરા ગામમાં રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે તામિલનાડુના બે આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 21 જૂન, 2026ની રાત્રિથી 22 જૂન, 2026ની સવારે વચ્ચે અજાણ્યા ચોરોએ ખુલ્લા દરવાજેથી મકાનમાં પ્રવેશ કરી લેપટોપ, સેમસંગ ગેલેક્સી S-23 મોબાઇલ અને iPhone-13 સહિત કુલ અંદાજે રૂ. 1.01 લાખની માલમત્તાની ચોરી કરી હતી. આ અંગે 23 જૂનના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર સી.એફ. ઠાકોરના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શન્મુગમ મુરૂગન ઓડર (ઉં.વ. 36) અને વી. શ્રીનિવાસન (ઉં.વ. 37), બંને વેલ્લુર જિલ્લાના તામિલનાડુના રહેવાસીઓની સંડોવણી સામે આવતા તેમને 1 જુલાઈ, 2026ના રોજ ઝડપી લેવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વહેલી સવારે ખુલ્લા રહેલા મકાનોમાં પ્રવેશ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા અને ત્યારબાદ મજૂર હોવાનું જણાવી શંકાથી બચવાનો પ્રયાસ કરતા હતા. પોલીસે વધુ તપાસ દરમિયાન આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ ચકાસણી શરૂ કરી છે.
આ સમગ્ર કામગીરીમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
