ભરૂચ :
આષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓને લઈને પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી સી. કે. પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરમાં દર વર્ષે ફુરજા બંદર વિસ્તારમાંથી યાદવ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળે છે. ઉપરાંત આશ્રય સોસાયટી ખાતે ઉડિયા સમાજ તેમજ શીતલ સર્કલ નજીક આવેલા ઈસ્કોન મંદિર તરફથી પણ છેલ્લા કેટલાંક વર્ષોથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએથી રથયાત્રાઓ નીકળવાની હોવાથી પોલીસ વિભાગે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કર્યું છે.
શાંતિ સમિતીની બેઠકમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસના અધિકારીઓ ઉપરાંત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કોમી એકતા, પરસ્પર સૌહાર્દ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા યોજાય તેમજ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ પણ પોલીસને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
બેઠક પૂર્ણ થયા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર. એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ રથયાત્રાના નિર્ધારિત માર્ગ પર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મોટી ટુકડી સાથે ફ્લેગ માર્ચ યોજાયો હતો. ફ્લેગ માર્ચ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને લોકોમાં વિશ્વાસનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આ પ્રસંગે પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ભ્રામક માહિતી શેર ન કરવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. સાથે જ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી રથયાત્રાનો પાવન તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાઈ શકે.
