Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નંદેલાવને મળશે શાકમાર્કેટની નવી ઓળખ? કાયમી શાકમાર્કેટ માટે સ્થાનિકોની ઉગ્ર માંગ : શક્તિનાથ માર્કેટ પરનો ભાર ઘટાડવા અને હજારો લોકોને સુવિધા આપવા મામલતદારને આવેદનપત્ર, બુસા સોસાયટી નજીક માર્કેટ બનાવવાની રજૂઆત

Share

 

ભરૂચ : ભરૂચ શહેરના સતત વિસ્તરી રહેલા નંદેલાવ વિસ્તારમાં હવે કાયમી શાકમાર્કેટની માંગ જોર પકડી રહી છે. નંદેલાવ ગામ પંચાયત વિસ્તારમાં ઝડપથી વધી રહેલી રહેણાંક સોસાયટીઓ અને વસ્તીને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહિશો તથા વિવિધ સોસાયટીઓના આગેવાનોએ નંદેલાવમાં કાયમી શાકમાર્કેટ ઉભું કરવાની માંગ સાથે ભરૂચ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે.

Advertisement

ભરૂચ શહેરનો વિકાસ હવે તવરા રોડ, નંદેલાવ અને ચાવજ રોડ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. નવી સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારો વિકસતા હજારો પરિવારો અહીં વસવાટ કરી રહ્યા છે. તેમ છતાં આ સમગ્ર વિસ્તારના લોકોને રોજિંદી જરૂરિયાતનું શાકભાજી ખરીદવા માટે શહેરના શક્તિનાથ સર્કલ નજીક આવેલા મુખ્ય શાકમાર્કેટ સુધી જવું પડે છે. જેના કારણે સમય, ઈંધણ અને ટ્રાફિકની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સ્થાનિકોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે નંદેલાવ ગામ પંચાયતની માલિકીની બુસા સોસાયટી નજીક યોગ્ય સરકારી જમીન ઉપલબ્ધ છે. આ સ્થળે કાયમી શાકમાર્કેટ વિકસાવવામાં આવે તો માત્ર નંદેલાવ જ નહીં પરંતુ ચાવજ, રહાડપોર સહિત આસપાસના ગામો તેમજ પશ્ચિમ ભરૂચની અનેક સોસાયટીઓના હજારો લોકોને સીધો લાભ મળશે.

રજૂઆતમાં જણાવાયું છે કે હાલ શક્તિનાથ સર્કલનું શાકમાર્કેટ શહેરનું મુખ્ય કેન્દ્ર હોવાથી દરરોજ ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જો નંદેલાવ વિસ્તારમાં નવા શાકમાર્કેટની સ્થાપના કરવામાં આવે તો શહેરના મુખ્ય માર્કેટ પરનો ભાર ઘટશે, વાહનવ્યવહાર સરળ બનશે અને લોકોને પોતાના વિસ્તાર નજીક જ ગુણવત્તાયુક્ત શાકભાજી ઉપલબ્ધ થશે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવા શાકમાર્કેટથી નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને વેપાર માટે નવી તક મળશે, સ્થાનિક યુવાનોને રોજગારી મળશે અને સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને પણ વેગ મળશે. સાથે જ પશ્ચિમ ભરૂચ માટે આ માર્કેટ એક નવા વ્યાપારિક કેન્દ્ર તરીકે ઉભરી શકે છે.

આ મુદ્દે સ્થાનિક આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ નંદેલાવ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીને આવેદનપત્ર પાઠવી વહેલી તકે નંદેલાવમાં કાયમી શાકમાર્કેટ સ્થાપવાની માંગ કરી છે.


Share

Related posts

ભરૂચ : બેંક ઓફ મહારાષ્ટ્ર વલણ નું ખોટકયેલ એ.ટી.એમ મશીન રીપેર ના થતા ઘેરો અસંતોષ

ProudOfGujarat

ભરૂચ પંથકમાં વરસેલ કમોસમી વરસાદ : ખેડૂતો ચિંતામાં ગરકાવ…

ProudOfGujarat

ઝઘડિયાનાં અવિધા ગામે આરોગ્ય વર્ધક મંડળ દ્વારા ફિઝિયોથેરાપી હોસ્પિટલ શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!