ભરૂચ:
ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલા સ્મશાનગૃહમાં પાયાની સુવિધાઓના અભાવે આસપાસના અંદાજે 25 ગામોના 50 હજારથી વધુ લોકોને અંતિમ સંસ્કાર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી ચિતામંચ, પાણી અને શેડ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં અસંતોષ વ્યાપ્યો છે.
સ્થળ પર જોવા મળતી સ્થિતિ મુજબ સ્મશાનગૃહમાં બનાવવામાં આવેલી ચિતાસગડીઓ અનેક જગ્યાએથી તૂટેલી અને જર્જરિત હાલતમાં છે. યોગ્ય મરામતના અભાવે અંતિમવિધિ દરમિયાન મૃતકના સ્વજનોને ભારે અગવડ ભોગવવી પડે છે.
આ ઉપરાંત સ્મશાનગૃહમાં મૃતદેહને અંતિમ સ્નાન કરાવવા માટે પાણીની કોઈ કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ નથી. જેના કારણે પરિવારજનોને નજીકના નદી કિનારેથી પાણી લાવવું પડે છે, જે શોકગ્રસ્ત પરિવારો માટે વધુ મુશ્કેલી ઊભી કરે છે.
ચોમાસાની ઋતુમાં પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે. સ્મશાનગૃહ ઉપર બનાવવામાં આવેલું શેડ જર્જરિત હાલતમાં હોવાથી અનેક જગ્યાએથી વરસાદનું પાણી ટપકે છે. પરિણામે મૃતદેહ, ચિતા માટેના લાકડા તેમજ અંતિમવિધિમાં ઉપસ્થિત લોકોને વરસાદથી બચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ભાડભૂત સ્મશાનગૃહનો ઉપયોગ માત્ર ભાડભૂત ગામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આસપાસના લગભગ 25 ગામોના લોકો અંતિમ સંસ્કાર માટે અહીં આવે છે. તેમ છતાં વર્ષોથી જરૂરી સુવિધાઓનો અભાવ યથાવત રહ્યો છે.
સ્થાનિકોએ સંબંધિત તંત્રને સ્મશાનગૃહનું સ્થળ નિરીક્ષણ કરી મજબૂત ચિતામંચ, શુદ્ધ પાણીની કાયમી વ્યવસ્થા, નવું શેડ, પ્રકાશ વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. લોકોનું કહેવું છે કે અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન કોઈપણ પરિવારને અવ્યવસ્થા અને અગવડનો સામનો ન કરવો પડે તે માટે તંત્રએ આ મુદ્દે પ્રાથમિકતા સાથે કાર્યવાહી કરવી જોઈએ.
