। ભરૂચ ।
ભરૂચમાં કસક રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતો સાહિદ ઈસ્માઈલ દિવાન રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પહેલાં તે ઈન્દિરા નગર ગૂપડપટ્ટી ખાતે રહેતો હોઈ ત્યા રહેતાં સાવન વસાવા સાથે તેની મૈત્રી હતી. દરમિયાનમાં ગઈકાલે રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તે તેની રીક્ષા લઈને સાવન વસાવાને મળવા માટે ગયો હતો. તેઓ રોડ પર મળ્યા હતાં અને ત્યાં ઉભા ઉભા વાતો કરી રહ્યાં હતાં. તે વેળાં સાહિદને કોઈનો ફોન આવતાં તે ફોન પર વાત કરતો હતો. તે જોર જોરથી વાતો કરતો હોઈ તેમજ ફોન પર સામેના શખ્સને અપશબ્દો ઉચ્ચારતો હોઈ સાવને તેને અપશબ્દો નહીં બોલવા કહેતાં તેણે ફોન કાપી નાંખ્યો હતો.
અરસામાં સાવને તેને તું કેમ જોર જોરથી અપશબ્દો બોલતો હતો તેમ કહીં તેને ધમકાવતાં મામલો ગરમાતાં સાવને તેને તેના હાથમાં પહેરેલાં કડા વડે મોઢાના ભાગે તેમજ માથામાં માર મારી ઈજાઓ પહોંચાડી હતી.અરસામાં બે ઈસમો તેમની પાસે આવી પહોંચ્યા હતાં, જે પૈકીના એકે તેમને લાકડાના સપાટા મારી ગંભીર ઈજાઓ પહોંચાડયાં બાદ ત્રણેયે એક સંપ થઈ તેને માર મારી હવે પછી અહીંયા અપશબ્દો બોલ્યો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપી જતાં રહ્યાં હતાં. સાહિદને ઈજાઓ થઈ હોઈ તે રાત્રીના સમયે રીક્ષામાં જ સુઈ ગયો હતો. જે બાદ સવારે ૮ વાગ્યે ઉઠયા બાદ તેના સંબંધીને ત્યાં જઈ સમગ્ર ઘટનાથી વાકેફ કરતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
