ભરૂચ શહેરના કોઠી વડાપડા વિસ્તારમાં રહેતો એક સોની તેના ઘરમાં બહારથી માણસોને બોલાવી જુગાર રમાડતો હોઈ એલસીબીની ટીમે તેના ઘરે દરોડો પાડી સોની સહિત ૭ જણાની ધરપકડ કરી હતી. ટીમે જુગારિયાઓની અંગઝડતીમાંથી કુલ ૩૮ હજાર તેમજ ૫ મોબાઈલ તથા એક બાઈક મળી કુલ ૧.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભરૂચ એલસીબીનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે વેળાં કોન્સ્ટેબલ વિજયને ચોક્કસ બાતમી મળી હતી કે, કોઠી વડાપરા વિસ્તારમાં રહેતો જીગર સોની નામનો ઈસમ બહારથી જુગારિઓને પોતાના ઘરે બોલાવી જુગારની મહેફિલ જમાવે છે.જે જે બાતમીના આધારે એલસીબી પીઆઈ મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો. જીગર જગદિશચંદ્ર સોનીના ઘરની બહાર આવતાં તેના પરનો દરવાજો બંધ જણાયો હતો. ટીમે દરવાજાને ધક્કો મારતાં ખુલી જતાં ટીમે અંદર પ્રવેશી ઘરના બીજા માળે પહોંચતાં કેટલાંક શખ્યો કુંડાળુ વળીને બેઠાં હતાં. ટીમે તમામને સ્થળ પર જ બેસાડી તેમના નામઠામ પુછતાં તેમના નામ જીગર જગદીશચંદ્ર સોની, મોહંમદ ઈમરાન અબ્દુલ રસીદ મલીક, મોહંમદ ઈદ્રીસ મોહમદ સઈદ શેખ, ખાલીદ હુસેન કરીશશા દિવાન, અસલમ ફારૂક લહેરી, મોહંમદ આરીફ અબ્દુલ મજીદ શેખ તેમજ મોહંમદ ફૈઝાન મુસ્તાક શેખ હોવાનું માલુમ પડયું હતું. એલસીબીની ટીમે દાવપર લાગેલાં તેમજ અંગઝડતીના મળી કુલ ૩૮ હજારથી વધુની રોકડ રકમ તેમજ ૫ મોબઈાલ તથા એક બાઈક મળી કુલ ૧.૦૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ વિરુદ્ધ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
