ભરૂચ :
ભરૂચમાં કોંગ્રેસ દ્વારા આયોજિત મૌન રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ઉત્તરાખંડમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની રેલીના સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં કોંગ્રેસે આ મૌન રેલીનું આયોજન કર્યું હતું.
કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને ત્યારબાદ રેલવે સ્ટેશન સુધી મૌન રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. રેલીમાં જોડાવા માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એકત્રિત થતાં જ પોલીસે તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો વચ્ચે ખેંચતાણના દૃશ્યો પણ સર્જાયા હતા.
પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જતાં કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રેલી યોજાય તે પહેલાં જ અટકાયત કરવામાં આવતા કોંગ્રેસે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ પોલીસની કાર્યવાહીનો વિરોધ કરતાં આક્ષેપ કર્યો હતો કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસના જણાવ્યા મુજબ, શાંતિપૂર્ણ રીતે મૌન રેલી યોજવાનો કાર્યક્રમ હતો, પરંતુ રેલી શરૂ થાય તે પહેલાં જ આગેવાનો અને કાર્યકરોને અટકાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા સભ્ય ઝુબેર પટેલ, જીગ્નેશ ભ્રમભટ્ટ, ઇમરાન પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, મહિલા આગેવાન જ્યોતિ તડવી સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે અટકાયત કરતાં સ્થળ પર થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.
