ભરૂચ :
નર્મદા પરિક્રમા સાથે છેલ્લા 30 વર્ષથી જોડાયેલા અને ‘નર્મદા પુત્ર’ તરીકે જાણીતા સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ શૂલપાણેશ્વર ખાતે નિધન થયું છે. છેલ્લા બે વર્ષથી તેઓ બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી નર્મદા ભક્તો અને પરિક્રમાવાસીઓમાં શોકની લાગણી પ્રસરી છે.
સાવરિયા મહારાજે 1,000થી વધુ વખત નર્મદા પરિક્રમા કરી હોવાનો દાવો કરવામાં આવે છે. તેઓ ઉઘાડા પગે અને માત્ર કેસરી પોતડી ધારણ કરીને પગપાળા નર્મદા પરિક્રમા કરતા હતા. નર્મદા પ્રત્યેની તેમની અનોખી શ્રદ્ધા અને સાધનાને કારણે પરિક્રમાવાસીઓ તથા નર્મદા ભક્તોમાં તેમની આગવી ઓળખ બની હતી.
સાવરિયા મહારાજે નિઃસ્વાર્થ ભાવે 4 લાખથી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરાવી હોવાનો પણ દાવો કરવામાં આવે છે. ત્રણ દાયકાથી નર્મદા પરિક્રમા સાથે જોડાયેલા હોવાથી દેશના વિવિધ વિસ્તારોમાંથી આવતા પરિક્રમાવાસીઓ સાથે તેમનો ગાઢ સંપર્ક રહ્યો હતો.
સાવરિયા મહારાજની નર્મદા પ્રત્યેની ભક્તિ તેમની દૈનિક સાધનામાં પણ જોવા મળતી હતી. પરિક્રમા દરમિયાન તેઓ નિયમિત નર્મદા સ્નાન કરતા હતા. તેમણે એક 31 દિવસની પરિક્રમા દરમિયાન 900થી 1,000 વખત નર્મદા સ્નાન કર્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ઉઘાડા પગે પગપાળા પરિક્રમા, સાદગીભર્યું જીવન અને નર્મદા પ્રત્યેની અતૂટ આસ્થાને કારણે સાવરિયા મહારાજ નર્મદા ભક્તોમાં જાણીતા બન્યા હતા. શૂલપાણેશ્વર ખાતે તેમણે અંતિમ શ્વાસ લેતાં નર્મદા પરિક્રમા સાથે સંકળાયેલા સાધકની વિદાયથી ભક્તો અને પરિક્રમાવાસીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
