વાંકલ :
માંગરોળ તાલુકા પંચાયત હોલ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રિવ્યુ બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય તથા માજી મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સરકારી અધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના 25 વર્ષના જાહેર જીવન અને સેવાકીય કાર્યકાળ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાનારા વિવિધ સેવાકીય કાર્યક્રમોની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, સેવા સેતુ સહિતના કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે જરૂરી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
દરમિયાન અગાઉ ભારે વરસાદને પગલે માંગરોળ તાલુકામાં સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ કરવામાં આવેલી રાહત અને સહાય કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જણાવ્યા મુજબ, ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને 10 હજાર જેટલી અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, કેશડોલ, ઘરવખરી, પશુ તેમજ માનવ મૃત્યુના વળતર સહિત વિવિધ સરકારી સહાય યોજનાઓ હેઠળ પૂર અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં અંદાજે રૂ.4.50 કરોડની સહાય પહોંચાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બાકી રહેલી સહાયની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી હોવાનું બેઠકમાં જણાવાયું હતું.
આગામી 17 ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યક્રમો યોજાશે.
