ખોપી: ખોપી તથા આસપાસના જંગલ વિસ્તારમાં ખેડૂતોના જમીન અને ખેતીના પ્રશ્નોને લઈને છેલ્લા સાત દિવસથી ખેડૂતો ધરણા પર બેઠા છે. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી ખેડૂતોના Forest Rightsના દાવાઓની સમયબદ્ધ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, Forest Rights Act, 2006 હેઠળ પાત્ર પરંપરાગત વનવાસીઓને જંગલની જમીન પર સ્વ-ખેતી સહિતના હકોને માન્યતા આપવાની જોગવાઈ છે. જેથી જેમના Forest Rightsના દાવા કરવામાં આવ્યા છે અથવા દાવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેમના દાવાનો કાયદેસર નિકાલ કર્યા વિના ખેતીમાંથી દૂર કરવા કે ખેતીમાં અડચણ ઊભી કરવાના પ્રયાસો અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
સાગબારા-ઉમરપાડાના જમીન રેકોર્ડની સંયુક્ત તપાસની માંગ
રજૂઆતમાં નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં જમીન અને ખેતીના પ્રશ્નોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેડૂતો વર્ષોથી જે જમીન પર ખેતી કરે છે તે કયા વિભાગના રેકોર્ડમાં છે, કયા સર્વે નંબર હેઠળ આવે છે અને તેના અંગે કોના Forest Rights claims છે તેની સ્પષ્ટતા કરવા વન, મહેસૂલ અને આદિજાતિ વિકાસ વિભાગના રેકોર્ડની સંયુક્ત ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે.
Protection Wall સામે ખેડૂતોમાં અસંતોષ
ખોપી અને આસપાસના વિસ્તારમાં વન વિભાગ દ્વારા Protection Wall બનાવવાની કામગીરી અંગે પણ ખેડૂતોમાં અસંતોષ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, આ કામગીરીથી તેમની ખેતીની જમીન સુધી પહોંચ, આવન-જાવન અને ખેતીની કામગીરી ઉપર અસર થઈ રહી છે. Wall કયા સર્વે નંબરની જમીનમાં બની રહી છે, કયા નકશાના આધારે સીમા નક્કી થઈ છે, મંજૂરી કોણે આપી, ટેકનિકલ મંજૂરી અને અંદાજિત ખર્ચ કેટલો છે સહિતની વિગતોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
10 મુદ્દાની માંગણીઓ રજૂ
ખેડૂતોના તમામ Forest Rights claimsની તપાસ, જૂના કબજા અને ખેતીના પુરાવાઓની ચકાસણી, સાગબારા-ઉમરપાડા વિસ્તારમાં જમીનના સર્વે નંબર અને સરકારી રેકોર્ડની સ્થળ તપાસ, 2005ના ઉકાઈ ડેમના વિસ્થાપિતોના પુનર્વસન અને જમીન ફાળવણીના રેકોર્ડની તપાસ સહિતની માંગ કરવામાં આવી છે. તેમજ Forest Rightsના દાવાઓનો અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી ખેડૂતોની પરંપરાગત ખેતી અને આવન-જાવનમાં અનાવશ્યક અડચણ ન ઊભી કરવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ સમિતિ રચવાની માંગ છે.
રજૂઆતના અંતે મુખ્યમંત્રીને ખોપી ગામે છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા ખેડૂતોના ધરણાને ગંભીરતાથી લઈ વ્યક્તિગત હસ્તક્ષેપ કરવા તથા સંબંધિત વિભાગોને સંયુક્ત તપાસ અને તાત્કાલિક ઉકેલ માટે સૂચના આપવા માંગ કરવામાં આવી છે.
