ભરૂચ:
ભરૂચ શહેરના સિધ્ધનાથનગરમાં આવેલા અંબાજી મંદિર તેમજ શક્તિનાથ મહાદેવ મંદિરમાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે સફળતાપૂર્વક ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરીને આશરે ૧૦થી વધુ મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ગત ૧૭ ઓગસ્ટના રોજ રાત્રિના સમયે સિધ્ધનાથનગરમાં આવેલા અંબાજી મંદિરમાં અજાણ્યો ચોર પ્રવેશી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના CCTV ફુટેજ મેળવી ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે શક્તિનાથ ગરનાળા પાસેથી આરોપી રાકેશ બચુભાઇ મેડા (ઉં.વ. ૩૫, મૂળ રહે. દાહોદ, હાલ રહે. સુરત)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી રિયલમી કંપનીનો ૧ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦) અને રોકડા રૂ. ૫,૭૪૦ મળી કુલ રૂ. ૧૦,૭૪૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી અગાઉ ભરૂચમાં રહેતો હોવાથી શહેરના રસ્તાઓ અને પોલીસ નાઇટ પોઇન્ટથી વાકેફ હતો. તે સુરત જિલ્લાના કીમ સ્ટેશનથી ટ્રેન મારફતે ભરૂચ રેલ્વે સ્ટેશને આવતો હતો અને રેલ્વે લાઇન નજીક આવેલી સોસાયટીઓના મંદિરોને જ નિશાન બનાવતો હતો. દાનપેટી ચોરીને રેલ્વે પાટા નજીકના અવાવરૂ સ્થળે લઈ જઈ તોડીને રોકડ રકમ ચોરી ફરાર થઈ જતો હતો.
બોક્ષ
૧૦થી વધુ મંદિર ચોરીના ગુનાઓનો એકસાથે ઉકેલ
