ભરૂચ :
અંકલેશ્વર તાલુકાની ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન પટેલને નાણાકીય ગેરરીતિના આક્ષેપોના પગલે ફરી એકવાર સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ અગાઉના હુકમને કાયમ રાખીને મંજુલાબેન પટેલને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. સરપંચને દૂર કરવાના હુકમ બાદ ગડખોલના સ્થાનિક રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગડખોલ ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિના આક્ષેપોને પગલે અગાઉ પણ સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સરપંચ પદેથી દૂર કરી ગ્રામ પંચાયતનો વહીવટી ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપ્યો હતો. જોકે, આ નિર્ણય સામે સરપંચ મંજુલાબેન પટેલે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાલમાં જિલ્લા વિકાસ અધિકારીએ અગાઉ કરાયેલા હુકમને યથાવત રાખી સરપંચને પદેથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે ગ્રામ પંચાયતનો વહીવટી ચાર્જ ફરી ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-કમ-મંત્રી સામે અગાઉ રૂ.1.16 કરોડથી વધુની કથિત નાણાકીય ઉચાપત અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદમાં ગ્રામ પંચાયતના ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (DSC)ના કથિત દુરુપયોગથી 44માંથી 43 કામોના અનધિકૃત પેમેન્ટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સરપંચને ફરી હોદ્દા પરથી દૂર કરવાના નિર્ણય બાદ ગડખોલ ગ્રામ પંચાયતના વહીવટ તેમજ અગાઉના નાણાકીય વ્યવહારોને લઈને સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે. સમગ્ર મામલે હવે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ પર સૌની નજર છે.
