ભરૂચ:
આગામી તા. 28 ઓગસ્ટે ઉજવાનારા રક્ષાબંધન પર્વને લઈને ભરૂચના બજારોમાં રાખડીની ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. શહેરના શક્તિનાથ, પાંચબત્તી અને ઝાડેશ્વર સહિતના વિસ્તારોમાં રાખડીના વિવિધ સ્ટોલ્સ લાગી ગયા છે. જોકે, હાલ બજારોમાં ગાઢ ઘરાકી જોવા મળી રહી નથી, પરંતુ તહેવાર નજીક આવતાં ખરીદીમાં તેજી આવશે તેવી વેપારીઓને આશા છે.
બજારમાં આ વર્ષે પરંપરાગત રાખડીઓની સાથે વિવિધ ડિઝાઇન અને થીમવાળી રાખડીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. ઈડી મટીરિયલમાંથી તૈયાર થતી, કાળી ન પડે તેવી રાખડી, બ્રેસલેટ સ્ટાઇલની રાખડી તથા રુદ્રાક્ષની રાખડીઓની વિવિધ વેરાયટી જોવા મળી રહી છે. આ ઉપરાંત કાર્ટૂન કેરેક્ટર અને કસ્ટમાઇઝ ડિઝાઇનવાળી રાખડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને બાળકોમાં છોટા ભીમ, ડોરેમોન અને શ્રીરામ થીમવાળી રાખડીઓ લોકપ્રિય બની છે. બાળકોને આકર્ષે તેવી રંગબેરંગી ડિઝાઇન સાથેની રાખડીઓ વેપારીઓએ સ્ટોલ્સ પર સજાવી છે. આ ઉપરાંત ભાઈ-ભાભી માટે ખાસ કપલ રાખડી પણ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવી છે.
રાખડીઓના ભાવની વાત કરીએ તો સામાન્ય રાખડીઓ રૂ.20થી શરૂ થઈ રૂ.250 સુધી મળી રહી છે. જ્યારે બ્રાસમાંથી બનેલી સ્પેશિયલ રાખડીની કિંમત રૂ.400થી રૂ.500 સુધીની છે. અલગ-અલગ ડિઝાઇન, મટીરિયલ અને કસ્ટમાઇઝેશન પ્રમાણે રાખડીઓના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે ગ્રાહકો માટે નવી અને આકર્ષક ડિઝાઇનની અનેક વેરાયટી લાવવામાં આવી છે. હાલ ઘરાકી સામાન્ય છે, પરંતુ રક્ષાબંધન નજીક આવતાં બજારમાં ભીડ વધવાની અને રાખડીના વેચાણમાં નોંધપાત્ર વધારો થવાની વેપારીઓને અપેક્ષા છે.
