ભરૂચ :
ભરૂચના જ્યોતિનગર ટર્નિંગ નજીક સેન્ટ્રલ સોઇલ ઓફિસ પાસે પૂરપાટ ઝડપે આવતી ફોરવ્હીલ ગાડીએ એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારતાં માતા અને તેમની બે જોડિયા પુત્રીઓ રોડ પર પટકાઈ હતી. આ અકસ્માતમાં 10 વર્ષીય ધનશ્રીને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને ICUમાં દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શુભમ રેસિડેન્સીમાં રહેતાં દીપમાલા ભટ્ટ (ઉં.વ.45) 28 નવેમ્બરે બપોરે તુલસીધામ સ્થિત શબરી વિદ્યાપીઠમ સ્કૂલેથી પોતાની બે જોડિયા પુત્રીઓ ધનશ્રી અને ધન્વીને એક્ટિવા (GJ-16-BE-4272) પર બેસાડી ઘરે પરત ફરી રહ્યાં હતાં. પોણા ચાર વાગ્યાના અરસામાં જ્યોતિનગર પાણીની ટાંકી સામે પાછળથી આવેલી કાર (GJ-16-DS-7784) ના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી, જેના કારણે ધનશ્રી રોડ પર ફંગોળાઈ ગઈ હતી.
રાહદારીઓની મદદથી ત્રણેયને નારાયણ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે દીપમાલા અને ધનશ્રીને અપેક્ષ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, જ્યારે ધન્વીને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો, જેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
