ભરૂચ:
ભરૂચ જિલ્લાના યુવાનો અગ્નિવીર ભરતીમાં સારો દેખાવ કરી શકે તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા 30 દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવનાર છે.
આ તાલીમવર્ગમાં જોડાવા ઇચ્છુક પુરુષ ઉમેદવારો, જેમણે અગ્નિવીર ભરતી જાહેરાત-2026 અંતર્ગત ફોર્મ ભર્યું હોય અને નિયત લાયકાત ધરાવતા હોય, તેઓ અરજી કરી શકશે. હાલમાં લેવાયેલી અગ્નિવીરની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CEE) પાસ કરનાર ઉમેદવારોને તાલીમ માટે અગ્રિમ પ્રાધાન્ય આપવામાં આવશે.
તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ અગ્નિવીર ભરતી-2026ના અરજીપત્રકની નકલ, બેંક પાસબુકની નકલ તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટા સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, આયોજન ભવન પાછળ, ભરૂચ ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે.
અરજી કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2026 છે. ઉમેદવારોએ ચાલુ કામકાજના દિવસોમાં કચેરી ખાતે અરજી કરવાની રહેશે. મહત્વનું છે કે અગાઉ આ યોજના અંતર્ગત તાલીમ લઈ ચૂકેલા ઉમેદવારો આ તાલીમ માટે ફરીથી ફોર્મ ભરી શકશે નહીં.
આ અંગેની માહિતી રોજગાર અધિકારી (જન), ભરૂચ દ્વારા અખબારી યાદી મારફતે આપવામાં આવી છે.
