ભરૂચ: ભરૂચ નગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં પ્રાથમિક સુવિધાઓ જાળવવા તેમજ નગરપાલિકાના રોજિંદા વહીવટી ખર્ચ માટે પૂરતું ભંડોળ ઉપલબ્ધ રહે તે માટે પાલિકા તંત્ર દ્વારા મિલકત વેરા સહિતના તમામ બાકી વેરા અને વ્યવસાય વેરાની સમયસર ચૂકવણી કરવા તાકીદ કરવામાં આવી છે.
નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, પાલિકાની સ્વભંડોળની આવકમાં વેરાની આવકનો મહત્વનો હિસ્સો છે. સ્ટ્રીટ લાઈટના વીજ બિલ, વાહનોના ડીઝલ ખર્ચ, આઉટસોર્સિંગ તેમજ નિયમિત કર્મચારીઓના પેન્શન સહિતના વિવિધ ખર્ચ સ્વભંડોળમાંથી કરવામાં આવે છે. ચાલુ વર્ષના વેરાની આશરે 90 ટકા વસૂલાત થઈ ચૂકી છે, પરંતુ અગાઉના વર્ષોની મોટી રકમ બાકી હોવાથી પાલિકાના ભંડોળ પર તેની સીધી અસર થઈ રહી છે.
આથી પાલિકાની ટેક્સ શાખા દ્વારા લાંબા સમયથી વેરો ભરપાઈ નહીં કરનારા મોટા બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આવા બાકીદારો સામે વોરંટ બજવણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે રહેણાક વિસ્તારોમાં પણ લાંબા સમયથી વેરો બાકી રાખનારા સામે નળ કનેક્શન કાપવા સહિતની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વ્યવસાય વેરો 30 સપ્ટેમ્બર સુધી ભરવો પડશે
ભરૂચ નગરપાલિકાની હદમાં આવેલી દુકાનો, હોટલો, પ્રાઇવેટ બેંકો, શાળાઓ, ક્લાસીસ, કેબલ ઓપરેટરો, વીમા એજન્ટો, આર્કિટેક્ટ, એન્જિનિયર, એકાઉન્ટન્ટ, સોલિસિટર, નોટરી તથા આંગડિયા પેઢી સહિતના તમામ ધંધાદારીઓએ વર્ષ 2026નો બાકી વ્યવસાય વેરો 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં નગરપાલિકા કચેરી ખાતે જમા કરાવવાનો રહેશે.
નિયત સમયમર્યાદામાં વ્યવસાય વેરો નહીં ભરનાર પાસેથી ગુજરાત રાજ્ય વ્યવસાય, વેપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ-1976ની કલમ-9 મુજબ વાર્ષિક 18 ટકા એટલે કે માસિક 1.5 ટકા લેખે વ્યાજ/પેનલ્ટી વસૂલવામાં આવશે. સાથે જ બાકીદારો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
પાલિકા તંત્રએ શહેરના વિકાસ કાર્યો અને પ્રાથમિક સુવિધાઓને સતત જાળવી રાખવા માટે શહેરજનો તથા વેપારીઓને બાકી વેરાની સમયસર ચુકવણી કરી પાલિકાને સહયોગ આપવા અપીલ કરી છે.
