ભરૂચ:
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ સબ જેલમાં લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા. જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધવા પહોંચેલી બહેનોએ ભાઈના હાથ પર રાખડી બાંધી હતી. આ સમયે ભાઈ-બહેનના મિલનની લાગણીથી અનેક બહેનોની આંખોમાં અશ્રુ છલકાઈ આવ્યા હતા.
જેલની ચાર દીવાલો ભાઈ-બહેનને એકબીજાથી દૂર રાખી શકે છે, પરંતુ તેમના પ્રેમ અને લાગણીના અતૂટ બંધનને ક્યારેય અલગ કરી શકતી નથી. બહેનોએ ભાઈના કાંડે રાખડી બાંધી તેમના સુખી જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. રક્ષાબંધનના આ પ્રસંગે ભાઈઓએ પણ પોતાની બહેનોની રક્ષા કરવાની અને જીવનના દરેક પડાવે સાથ આપવાનું વચન આપ્યું હતું. લાંબા સમય બાદ ભાઈ-બહેન વચ્ચે સર્જાયેલી આ લાગણીસભર ક્ષણથી જેલનું વાતાવરણ પણ ભાવુક બની ગયું હતું. કોઈની આંખોમાં ભાઈને મળ્યાની ખુશીના આંસુ હતા, તો કોઈની આંખોમાં પોતાના ભાઈને વહેલી તકે પરિવાર સાથે જોવાની આશા જોવા મળી હતી. રક્ષાબંધનના પર્વે ભરૂચ સબ જેલમાં કેદીઓ અને તેમના પરિવારજનો વચ્ચેનો પ્રેમ, લાગણી અને પરિવારના અતૂટ સંબંધોની અનોખી ઝલક જોવા મળી હતી.
