ભરૂચ :
ભરૂચ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ઓછા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાક સુકાવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોને સિંચાઈ માટે વીજળીની વધુ જરૂરિયાત ઊભી થઈ હતી. આવી સ્થિતિમાં ખેતીવાડી માટે મળતી વીજળીનો સમય વધારવાની માંગણી કરવામાં આવી હતી.
ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને રાખી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ રાજ્ય સરકાર અને ઊર્જા વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. તેમની રજૂઆત બાદ રાજ્ય સરકારના આદેશ મુજબ DGVCL ભરૂચ વર્તુળ દ્વારા ખેતીવાડી માટે હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાતા જિલ્લાના અનેક ખેડૂતોનો પાક જોખમમાં મુકાયો હતો. ખેડૂતો દ્વારા તેમને વીજળીનો સમય વધારવા રજૂઆતો કરવામાં આવી હતી. હાલના 8 કલાકના વીજ પુરવઠાને વધારીને 10થી 12 કલાક કરવાની માંગ સાથે તેમણે ગત 3 સપ્ટેમ્બરે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજૂઆત કરી હતી. પત્રની નકલ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા તથા ભરૂચ કલેક્ટરને પણ મોકલવામાં આવી હતી.
રજૂઆત બાદ ખેતીવાડી માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય થતાં ખેડૂતોમાં રાહત અને આનંદનો માહોલ જોવા મળ્યો છે. અનેક ખેડૂતોએ ફોન અને મેસેજ મારફતે નિર્ણયને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો. પાકને સિંચાઈ મળી રહેતા વરસાદની અછત વચ્ચે ખેતીને બચાવવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
