ભરૂચ :
14 સપ્ટેમ્બરના અખિલ ભારતીય અંધ ધ્વજ દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ, ભરૂચ–નર્મદા જિલ્લા શાખા દ્વારા આયોજિત જનજાગૃતિ રેલી વરસાદી વાતાવરણને કારણે રદ કરવામાં આવી છે. રેલીના બદલે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સવારે 10 વાગ્યે અંધજન લાભાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમ દરમિયાન શ્રી સેવા શંકર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ઉપસ્થિત અંધજન લાભાર્થીઓને નાસ્તો કરાવવામાં આવશે. ત્યારબાદ **Deccan Fine Chemicals India Pvt. Ltd.**ના સહયોગથી લાભાર્થીઓને અનાજ કિટનું વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત, સંસ્થા દ્વારા પેટી શોપ ચલાવી આત્મનિર્ભર બનેલા અંધજનોમાંથી પોતાની દુકાન સફળતાપૂર્વક ચલાવી રહેલા લાભાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. તેમના સંઘર્ષ અને સ્વાવલંબનની સફરને બિરદાવી અન્ય અંધજનોને પણ આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
અંધ ધ્વજ દિવસ નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અંધજનોના સશક્તિકરણ, સ્વાવલંબન અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અંધજનોને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા તથા તેમને સમાજમાં સન્માનપૂર્વક સ્વાવલંબી જીવન જીવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
