ભરૂચ ।
ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નાગરિકોની વ્યક્તિગત રજૂઆતો અને સરકારી યોજનાઓને લગતી અરજીઓનો સ્થળ પર જ નિકાલ થાય તે હેતુથી આગામી ૨૧ સપ્ટેમ્બર, સોમવારના રોજ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. ૩, ૪, ૫, ૬, ૭, ૮ અને ૧૧ના વિસ્તારના નાગરિકો માટે આ કાર્યક્રમ આત્મીય સંસ્કારધામ, શ્રી હરી પેટ્રોલ પંપની પાછળ, કોલેજ રોડ, ભરૂચ ખાતે સવારે ૯થી સાંજના ૫ વાગ્યા સુધી યોજાશે. સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોને આવક, જાતિ, ક્રિમિલિયર અને ડોમીસાઈલ પ્રમાણપત્ર, રેશનકાર્ડ અને આધારકાર્ડને લગતી અરજીઓ સહિત વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત સમાજકલ્યાણ વિભાગની યોજનાઓ, અનુસૂચિત જાતિ-જનજાતિ અને આદિજાતિ વિભાગની યોજનાઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓ તથા વરિષ્ઠ નાગરિકતા અને દિવ્યાંગતા પ્રમાણપત્રની કામગીરી કરવામાં આવશે.
વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, શિષ્યવૃત્તિ યોજનાઓ, અસંગઠિત અને બાંધકામ કામદારોના ઓળખપત્રો, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાની અરજીઓ માટે પણ સુવિધા ઉપલબ્ધ રહેશે. DGVCLની વીજળી અને લાઇટ બિલ કલેકશન, મિલકત આકારણી તથા મિલકત વેરાની કામગીરી, જન્મ-મરણના દાખલા અને લગ્ન નોંધણી જેવી સેવાઓ પણ આપવામાં આવશે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના, વાજપાઈ બેંકેબલ યોજના, સ્વસહાય જૂથોની નોંધણી, લોન ફોર્મ, સીવણ, બ્યુટી પાર્લર અને કોમ્પ્યુટર તાલીમના ફોર્મ, ગુમાસ્તા ધારા તથા નગરપાલિકાને લગતી વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓનો લાભ નાગરિકો લઈ શકશે.
મફત આરોગ્ય તપાસ અને અન્ય સુવિધાઓ પણ મળશે કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે મફત ડાયાબિટીસ અને બી.પી. ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એસ.ટી. સ્ટુડન્ટ પાસ, કેસલેસ રિઝર્વેશન સહિતની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. સેવાસેતુ કાર્યક્રમમાં લાભ લેવા ઇચ્છતા અરજદારોએ પોતાની સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટા, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલ લાવવાની રહેશે. અરજી ફોર્મ બપોરે ૨ વાગ્યા સુધી આપવામાં આવશે.
