ભરૂચ ।
ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરી લોકપ્રશ્નોના સમયસર નિકાલ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકના પ્રારંભે નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન કેસોના નિકાલ, આગામી બે વર્ષમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શન કેસો, ગુજરાત તકેદારી આયોગ તરફથી મળેલા પત્રો અને વિવિધ હેતુ માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત એ.જી. ઓડિટના બાકી પેરા, કલેક્ટર કચેરી તરફથી મોકલાયેલા પત્રોની સ્થિતિ અને ઓનલાઈન ડેટા એન્ટ્રીની કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં ઈ-સરકાર પોર્ટલના અમલ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જનસેવા કેન્દ્રની કાર્યપદ્ધતિ તેમજ વિવિધ સરકારી વિભાગોના આંતરિક પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ સમયસર પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.
કલેક્ટર નવનાથ ગવ્હાણેએ નાગરિકોની અરજીઓનો સમયસર નિકાલ થાય તે માટે ભાર મૂક્યો હતો. બેઠકમાં ઉપસ્થિત લોકપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ફરિયાદ સમિતિને મળેલી અરજીઓ, પ્રજાને સ્પર્શતા તાકીદના પ્રશ્નો અને અગાઉની બેઠકમાં અપાયેલી સૂચનાઓના અમલ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને લોકપ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ રહી બાકી ફરિયાદોનો સત્વરે ઉકેલ લાવવા તથા સરકારી હુકમોનું ચુસ્તપણે પાલન કરવા દિશા-નિર્દેશો આપ્યા હતા. બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો રિતેશ વસાવા, રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રાણા, નાયબ વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
