ભરૂચ ।
ભરૂચ તાલુકાના નિકોરા ગામમાં જર્જરિત મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં 9 વર્ષના બાળકનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, નિકોરા ગામમાં એક જર્જરિત મકાનની દિવાલ અચાનક તૂટી પડી હતી. તે સમયે 9 વર્ષનો દીપ પટેલ દિવાલના કાટમાળ નીચે દબાઈ ગયો હતો. દિવાલ ધરાશાયી થવાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી બાળકને કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં દીપ પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.
જર્જરિત દિવાલ કયા કારણોસર ધરાશાયી થઈ અને દુર્ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે નિકોરા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
