ભરૂચ ।
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના સ્ટેટ એક્ઝિક્યુટિવ મેમ્બર જુનેદ પટેલે ભરૂચના ઈખરથી વડોદરા જિલ્લાના મેસરાદ સુધી નવો રસ્તો મંજૂર કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. સ્થાનિક પ્રજાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રસ્તાની દરખાસ્તને તાત્કાલિક વહીવટી મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે.
જુનેદ પટેલે જણાવ્યું હતું કે, ઈખરથી મેસરાદ સુધીના રસ્તાની દરખાસ્ત ૨૩ જુલાઈ, ૨૦૨૫થી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહીવટી મંજૂરી માટે સરકાર સમક્ષ પેન્ડિંગ છે. આ અંગે કલેક્ટર કચેરી, ભરૂચની અરજી નં. ૨૯૪/૨૦૨૬, કલેક્ટરનો તા. ૧૨ મે, ૨૦૨૬નો પત્ર ક્રમાંક ૨૩૪૧, નાયબ કાર્યપાલક ઇજનેર, જંબુસરનો તા. ૧૮ મે, ૨૦૨૬નો પત્ર જા.નં. ૦૬૭૯ સહિતની કાર્યવાહી થઈ હોવાનું તેમણે જણાવ્યું છે. આ ઉપરાંત તા. ૨૮ મે, ૨૦૨૬ના જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. સરકારી અહેવાલમાં મંજૂરી મળતાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હોવાનું જુનેદ પટેલે જણાવ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ, રસ્તાના અભાવે હજારો ગ્રામજનો અને ખેડૂતોને રોજિંદા અવરજવર દરમિયાન મુશ્કેલી પડે છે, જ્યારે ચોમાસા દરમિયાન સમસ્યા વધુ ગંભીર બને છે. ખેતીવાડી પ્રવૃત્તિઓ તેમજ અન્ય વ્યવહારો માટે પણ ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આથી સ્થાનિક પ્રજાના હિતમાં ઈખરથી મેસરાદ સુધીના નવા રસ્તાની દરખાસ્તને તાત્કાલિક વહીવટી મંજૂરી આપી આગળની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ જુનેદ પટેલે કરી છે.
