વાંકલ ।
સુરત ગ્રામ્ય વિસ્તારમાં જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ખાસ ઝુંબેશ દરમિયાન માંગરોળ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. ચોક્કસ બાતમીના આધારે મોટામીયા માંગરોળના જસાત ફળિયામાં આવેલા એક મકાનમાં દરોડો પાડી પોલીસે ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમતા ૮ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ રૂ.૨,૯૭,૫૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. દેસાઈને બાતમી મળી હતી કે, મોટામીયા માંગરોળના જસાત ફળિયામાં રહેતો મોહસીન ઇબ્રાહીમ રાવત પોતાના મકાનમાં બહારથી લોકોને બોલાવી પૈસા-પાનાથી જુગાર રમાડે છે અને નાલ ઉઘરાવી અંગત આર્થિક લાભ મેળવે છે. બાતમીના આધારે પી.આઈ. પી.એમ. દેસાઈની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમતા મોહસીન ઇબ્રાહીમ રાવત સહિત કુલ ૮ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં મોહસીન ઇબ્રાહીમ રાવત (મોટામીયા માંગરોળ), વિકાસભાઈ કાંતુભાઈ વસાવા (ગડકાછ), સાહેબખા દગડુ ઠોકે (મોટા મીયા માંગરોળ), અજયભાઈ નાનુભાઈ વસાવા (વકીલપરા), અકરમ અબ્દુલ કાદર મકરાણી (મોટા મીયા માંગરોળ), અલ્તાફ મહેબુબ બેલીફ (મોટા મીયા માંગરોળ), મોહસીન સીરાજ સૈયદ (મોસાલી) અને રાકેશભાઈ નવીનભાઈ વણકર (મોસાલી)નો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન દાવ પરના રોકડા રૂ.૧,૦૩,૦૦૦, અંગઝડતીના રૂ.૬૯,૦૫૦, રૂ.૪૦,૫૦૦ની કિંમતના ૯ મોબાઇલ ફોન, હોન્ડા એવિએટર, હીરો પેશન પ્રો અને હીરો ડેસ્ટીની સ્કુટી મળી ૩ વાહનો, ગંજીપત્તા તથા શેતરંજી સહિત કુલ રૂ.૨,૯૭,૫૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
માંગરોળ પોલીસે તમામ ૮ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
