ભરૂચ ।
ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 14 લોકોના મોતની ઘટના બાદ નશાકારક પદાર્થોના સેવનને લઈને સવાલો ઊભા થયા છે, ત્યારે અંકલેશ્વરમાં બે યુવાનોના શંકાસ્પદ મોતથી ચકચાર મચી છે. સારંગપુર અને GIDC વિસ્તારમાં લાકડાના ડેનસામાં કામ કરતા 24 વર્ષીય ફરમાન અલી અને 25 વર્ષીય રાહુલ સિંઘના મોત થયા છે. બંનેએ થાક ઉતારવા માટે પેઈનકિલર ઇન્જેક્શન લીધું હોવાની આશંકા વચ્ચે ઓવરડોઝ અથવા આડઅસરથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરાઈ છે.
જોકે, બંનેના મોત પેઈનકિલરના ઓવરડોઝથી થયા કે અન્ય કોઈ નશાકારક પદાર્થના સેવનથી થયા તે અંગે પોલીસે હજુ સત્તાવાર પુષ્ટિ કરી નથી. ઘટનામાં અભિષેક નામનો અન્ય એક યુવાન પણ ગંભીર હાલતમાં મળી આવતા તેને ગડખોલ CHC ખાતે સારવાર માટે ખસેડાયો છે.
ત્રણ શખ્સોની પૂછપરછથી તપાસ તેજ
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ઘટનાસમયે મૃતક ફરમાન સાથે રહેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી તેમની પૂછપરછ હાથ ધરી છે. તેમની પૂછપરછમાં મળતી માહિતીના આધારે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
મૃતદેહના વીડિયો સામે આવતા અરેરાટી
લાકડાના ડેનસા પરિસરના સામે આવેલા વીડિયોમાં ફરમાનનો મૃતદેહ ખુરશી પર બેઠેલી હાલતમાં જ્યારે રાહુલનો મૃતદેહ જમીન પર પડેલો જોવા મળે છે. રાહુલના સ્વજન યુવતીએ મૃતદેહને ખોળામાં લઈ આક્રંદ કરતાં હૃદયદ્રાવક દૃશ્ય સર્જાયું હતું.
‘પૈસા ખાઈ કેસ દબાવી દેશે’ : પિતાનો ગંભીર આક્ષેપ
મૃતક ફરમાનના પિતાએ પોલીસ અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે તેમના પુત્રને ફોન આવ્યા બાદ તે ગાડી લઈને ગયો હતો અને પરત લાવવામાં આવ્યો ત્યારે તેનું મોત થઈ ચૂક્યું હતું. તેમણે અન્ય લોકોની સંડોવણીની આશંકા વ્યક્ત કરી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
વિસેરા રિપોર્ટ ખોલશે મોતનું રહસ્ય
DySP ડો. કુશલ ઓઝાના જણાવ્યા મુજબ બંને મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું હોવાનું જણાય છે. પોસ્ટમોર્ટમ બાદ વિસેરા તપાસ માટે મોકલાશે અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
