વાંકલ :
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ની થીમ સાથે માંગરોળના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામૂહિક રક્તદાન શિબિર યોજાઈ હતી. શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેતાં કુલ 31 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ગામીતે કર્યું હતું. તેમણે રક્તદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપી રક્તદાતાઓના સેવાભાવને બિરદાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય નવીનભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય હરેશભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિલભાઈ શાહ તથા સુરત જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ દીપકભાઈ વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
શિબિરમાં લોકોને રક્તદાન માટે પ્રેરણા મળે તે હેતુથી સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. રાકેશ બી. પટેલ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સમીર ચૌધરીએ પણ સ્વયં રક્તદાન કર્યું હતું. બંને તબીબી અધિકારીઓએ રક્તદાન કરીને સમાજ સમક્ષ સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રક્તસંગ્રહની કામગીરી ન્યુ સિવિલ હોસ્પિટલ, સુરતની તબીબી ટીમ દ્વારા કરવામાં આવી હતી. ટીમ દ્વારા રક્તસંગ્રહની સમગ્ર પ્રક્રિયા સલામત અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. શિબિરને સફળ બનાવવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબો, કર્મચારીઓ તથા સ્થાનિક અગ્રણીઓએ મહત્વપૂર્ણ જહેમત ઉઠાવી હતી.
