વાંકલ:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા સંકલ્પ અભિયાનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં તાલુકા કક્ષાની ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરપાડા તાલુકાના વાડી સ્થિત સૈનિક સ્કૂલ તેમજ માંગરોળ તાલુકાના વાંકલ ખાતેની એન.ડી. દેસાઈ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
બંને તાલુકામાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં અંદાજે ૩૦થી ૩૫ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૪૭માં ભારત કેવું હોવું જોઈએ, દેશ વિકાસની નવી ઊંચાઈઓ કેવી રીતે હાંસલ કરી શકે અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા સહિતના વિષયો પર ચિત્રો દોરી તેમજ વક્તૃત્વ રજૂ કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી.
સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, બાળકોના મનમાં અત્યારથી જ ‘વિકસિત ભારત’નું સપનું આકાર લઈ રહ્યું છે, જે ભવિષ્યમાં દેશને નવી દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
કાર્યક્રમમાં ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ સપનાબેન વસાવા, સુમુલ ડેરીના ડિરેક્ટર અમીષ વસાવા, વાડીના સરપંચ ભુપેન્દ્રભાઈ, હરીશ વસાવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઉમેદ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ગામીત, વાંકલના સરપંચ અનિતાબેન ચૌધરી, જિલ્લા પંચાયત સભ્ય અંકિતા ગામીત, દીપક વસાવા, તાલુકા પંચાયત સભ્ય ઉજાસ ચૌધરી, યુવરાજસિંહ સોનારીયા, ઈલા ચૌધરી સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
