ભરૂચ : ભરૂચ જિલ્લાના દહેજ પંથકના જણીયાદરા ગામના સરપંચ દ્વારા પેટ્રોલ પંપ પર ખુલ્લી તલવાર સાથે ધમાલ મચાવ્યાની ઘટના સામે આવી છે. પેટ્રોલ પુરાવવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ સરપંચે મહિલા કર્મચારી સહિત પંપના સ્ટાફને ધમકાવ્યા હોવાનો આક્ષેપ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, જણીયાદરા ગામના સરપંચ ઇન્દરવર્ધનસિંહ પ્રવિણસિંહ રાણા ઉર્ફે અલ્પેશ પોતાની કારમાં પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ફરજ પર રહેલી મહિલા કર્મચારીએ કારને અન્ય પોઇન્ટ પર લઈ જવા જણાવ્યું હતું. આ સામાન્ય સૂચન બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો.

આક્ષેપ મુજબ, વિવાદ દરમિયાન સરપંચ પોતાની કારમાંથી તલવાર કાઢીને બહાર આવ્યા હતા અને ખુલ્લી તલવાર સાથે મહિલા કર્મચારી તરફ ધસી ગયા હતા. આથી પંપ પર હાજર કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. બૂમાબૂમ થતાં અન્ય કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
દરમિયાન કર્મચારીઓએ પોલીસને જાણ કરવાની વાત કરતાં સરપંચે રોષે ભરાઈને કર્મચારીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના દૃશ્યો મોબાઇલ કેમેરામાં કેદ થયા હતા અને ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ થયા બાદ દહેજ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, ઘટનાને પગલે રાત્રે જ સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઝપાઝપી, ગાળાગાળી, જાનથી મારી નાખવાની ધમકી, વાહન ચઢાવી દેવાનો પ્રયાસ તેમજ તલવાર જેવા હથિયાર રાખવા સહિતની બાબતોને લઈને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપી સરપંચને નોટિસ પાઠવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દરમિયાન આ મામલે સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે ફોન રિસીવ કર્યો નહોતો અને ત્યારબાદ તેમનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ આવતો હોવાનું જાણવા મળ્યું હતું.
