અમદાવાદ :
અખિલ ભારતીય ગુર્જર મહાસભા (ABGM-1908)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની 115મી વાર્ષિક સભા તથા પાટીદાર સમાજ ચિંતન બેઠકનું 27 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ડૉ. શ્યામાપ્રસાદ ઓડિટોરિયમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પદાધિકારીઓ, મહિલા-યુવા પ્રતિનિધિઓ તેમજ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં સામાજિક એકતા, શિક્ષણ, રોજગાર, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને યુવા સહભાગિતા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમની અધ્યક્ષતા ABGMના રાષ્ટ્રીય અધ્યક્ષ દીપકભાઈ પાટીલ બાપુ સાહેબે કરી હતી. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ગોપીચંદજી ગુર્જર, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બચ્ચુસિંહજી બૈંસલા, વિક્રમભાઈ પટેલ (મુખી), લાલજીભાઈ પટેલ, અલ્પેશભાઈ કથીરિયા તથા દિનેશભાઈ બાંભણિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને દિલ્હી સહિત વિવિધ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો તથા પદાધિકારીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય મહિલા એકમ તથા યુવા એકમના પ્રતિનિધિઓની પણ નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. ભરૂચ અને સુરતની SPG ટીમોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મોહનભાઈ પટેલે સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. ત્યારબાદ બચ્ચુસિંહજી બૈંસલાએ ABGMની સંગઠનાત્મક યાત્રા અને વિસ્તરણ અંગે માહિતી આપી હતી. મહિલા સશક્તિકરણ અંગે કામિનીબેન ગુર્જરે તેમજ યુવા વિકાસ અંગે લાલજીભાઈ પટેલ, અલ્પેશભાઈ કથીરિયા અને ડૉ. નચિકેતભાઈ પટેલે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સભામાં વિવિધ આગેવાનોએ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રોજગાર, મહિલા નેતૃત્વ, યુવા સહભાગિતા, સામાજિક એકતા અને રાષ્ટ્રનિર્માણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. એડવોકેટ કિંજલ પટેલ, ક્રિમિનલ એડવોકેટ તથા સામાજિક કાર્યકર પૂનમ પંચાણી અને નિવૃત્ત કલેક્ટર સી.જે. પટેલે પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, કીમ, સુરત, બારડોલી તથા વાપી-સેલવાસના વિવિધ લેઉવા પાટીદાર ગુર્જર સમાજ મંડળોના પદાધિકારીઓ અને સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિસ્તારોમાંથી આવેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિથી સામાજિક એકતા અને સંગઠનશક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
અંતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ દીપક પટેલ બાપુ સાહેબે અધ્યક્ષીય ઉદ્બોધનમાં સંગઠનને સેવા, સંસ્કાર અને રાષ્ટ્રીય એકતાના માર્ગે આગળ વધવા આહ્વાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું મંચસંચાલન ડૉ. લતેશ ચૌધરીએ કર્યું હતું.
આ આયોજનને સફળ બનાવવા ડૉ. નચિકેત પટેલ (મુખી), મોહનભાઈ પટેલ અને ડૉ. લતેશ ચૌધરી સહિતના આયોજકોના સંકલન અને મહેનતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
