ભરૂચ :
દહેજ ઔદ્યોગિક વિસ્તારની અનેક કેમિકલ કંપનીઓ માટે મહત્વપૂર્ણ ગણાતો સુવા-અભેટા માર્ગ હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગ પર અધૂરું પેચવર્ક, ખાડા અને અસમતલ સપાટીના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આ માર્ગ પરથી પસાર થતાં કેમિકલ ટેન્કરો અને હજારો કર્મચારીઓની સલામતી સામે સવાલો ઊભા થયા છે.
સુવા ગામથી દહેજ GIDCના ડિસેલિનેશન પ્લાન્ટ, ટેક્નિપ પ્લાન્ટ થઈને અભેટા ગામ તરફ જતો આ માર્ગ દહેજ SEZ-1માં અવરજવર કરતા હજારો કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ માર્ગ છે. રોજબરોજ આ માર્ગ પરથી ભારે વાહનો, કેમિકલ ટેન્કરો તેમજ માલવાહક વાહનોની મોટી સંખ્યામાં અવરજવર રહે છે.
માર્ગની હાલત કથળેલી હોવાથી ખાસ કરીને ભારે વાહનો અને કેમિકલ ભરેલા ટેન્કરો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા એક મહિનામાં માર્ગ પર નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ પણ બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેના પગલે રોજિંદી અવરજવર કરતા કર્મચારીઓ ઉપરાંત સુવા અને અભેટા ગામના લોકોમાં પણ અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે.
કેમિકલ ટેન્કર પલટે તો મોટી દુર્ઘટનાની ભીતિ
સ્થાનિકોમાં સૌથી મોટી ચિંતા એ છે કે બિસ્માર માર્ગના કારણે જો કોઈ કેમિકલ ટેન્કર પલટી જાય અથવા અકસ્માતગ્રસ્ત બને અને કેમિકલ લીકેજ થાય, તો આસપાસના વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દહેજનો આ વિસ્તાર ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલો હોવાથી આવી ઘટનાના જોખમને લઈ લોકો દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત આ માર્ગનો ઉપયોગ નર્મદા પરિક્રમાવાસીઓ દ્વારા પણ કરવામાં આવે છે, જેથી માર્ગની સલામતી વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
એક તરફ દહેજ ઔદ્યોગિક પટ્ટામાં સતત વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે મહત્વપૂર્ણ માર્ગની આવી સ્થિતિ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને કર્મચારીઓએ અધૂરું પેચવર્ક તાત્કાલિક પૂર્ણ કરી માર્ગનું યોગ્ય મેન્ટેનન્સ કરવા તેમજ માર્ગને સલામત અને વાહનવ્યવહારને અનુકૂળ બનાવવા માંગ કરી છે.
માર્ગની સમયસર મરામત કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાઈ જાનમાલનું મોટું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે તંત્ર દ્વારા આ માર્ગની સ્થિતિ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.
