ભરૂચ :
ભરૂચના બહારની ઉડાઈ વિસ્તારમાં ગટર ઓવરફ્લોની સમસ્યાના પગલે નગરપાલિકાના કર્મચારીઓ ગટરનું કામ કરવા પહોંચ્યા હતા. દરમિયાન ગટરનું ચેમ્બર ક્યાં બનાવવું તે મુદ્દે બે પાડોશી પરિવાર વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. મહિલાને પથ્થર મારી બેહોશ કરી દેવાની ધમકી અપાયા બાદ થયેલી ઝપાઝપીમાં મહિલાના ભાઈને છરીનો ઘસરકો વાગતાં સામાન્ય ઈજા થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, બહારની ઉડાઈ, સ્વામીનારાયણ મંદિર પાસે રહેતી 40 વર્ષીય સમીરા ઇરફાન પટેલના વિસ્તારમાં તા.5 ઓક્ટોબરના બપોરે આશરે સાડા બાર વાગ્યે ગટર ઓવરફ્લોની સમસ્યાના પગલે નગરપાલિકાના કર્મચારીઓ કામ કરવા આવ્યા હતા. ગટરનું ચેમ્બર ક્યાં રાખવું તે અંગે કર્મચારીઓ સ્થળ નક્કી કરી રહ્યા હતા ત્યારે સમીરાબેન ઘરની બહાર ઊભા હતા.
આ દરમિયાન પાડોશમાં રહેતા તેહજીબબેન સાજીદખાન પઠાણ પણ બહાર આવ્યા હતા અને ચેમ્બર અંગે બોલાચાલી કરી મહિલાને ગાળો આપવાનું શરૂ કર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. સમીરાબેને ગાળો નહીં બોલવા જણાવતાં પાડોશમાં રહેતા જુનેદ જહાગીર પઠાણ ઉશ્કેરાઈ ગયા હતા અને રસ્તા પર પડેલો પથ્થર હાથમાં લઈ સમીરાબેનને પથ્થર મારી બેહોશ કરી દેવાની ધમકી આપી હતી.
આથી સમીરાબેને બૂમાબૂમ કરતાં તેમના ભાઈ રાજા હુશેનખાન પઠાણ ઘરની બહાર આવ્યા હતા. દરમિયાન તેહજીબબેન, તેમના પતિ સાજીદખાન અને જુનેદે બંને ભાઈ-બહેનને ગાળો આપી ઝઘડો કર્યો હતો. આક્ષેપ મુજબ જુનેદ ઘરમાંથી શાકભાજી સમારવાની છરી લઈ આવ્યો હતો અને રાજા સાથે ઝપાઝપી કરી હતી. જેમાં રાજાના ડાબા હાથની પહેલી આંગળીના પાછળના ભાગે છરીનો ઘસરકો વાગતાં ચામડી ફાટી સામાન્ય ઈજા થઈ હતી.
બનાવ અંગે 112 હેલ્પલાઇન પર જાણ કરવામાં આવતા પોલીસની મોબાઇલ વાન સ્થળે પહોંચી હતી. પોલીસ આવતાં જુનેદ અને સાજીદખાન ત્યાંથી નાસી ગયા હતા. ત્યારબાદ તેહજીબબેનના સંબંધીઓ સબાના જહાગીર પઠાણ, સાલેહા જહાગીર પઠાણ અને સગુફ્તા અજહર શેખ પણ સ્થળે આવી તેહજીબબેન તથા જુનેદનું ઉપરાણું લઈ ગાળો બોલી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
સમગ્ર મામલે સમીરા ઇરફાન પટેલે ભરૂચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સામેલ તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
