ભરૂચ:
ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા જાણીતા બળિયાદેવ મંદિર અને દશાશ્વમેઘ મંદિરના વહીવટને લઈને એક ચોંકાવનારો અને ગંભીર વિવાદ સામે આવ્યો છે. મંદિરના ટ્રસ્ટી દ્વારા જ જીવંત ટ્રસ્ટીઓને દસ્તાવેજોમાં મૃત જાહેર કરી, ખોટી રીતે ટ્રસ્ટી બની જઈ મંદિરના નાણાં અને કિંમતી ચીજવસ્તુઓ પડાવી લેવા અંગે ભરૂચ ‘એ’ ડિવિજન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શક્તિનાથ વિસ્તારમાં રહેતા અને ૬૯ વર્ષીય અશ્વિન રમણલાલ માસ્તરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ દાંડિયાબજાર સ્થિત બળિયાદેવ મંદિર અને દશાશ્વમેઘ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. મંદિરના નિયમો મુજબ દાંડિયાબજાર-દશાશ્વમેઘ વિસ્તારના હિન્દુ ભાવિકોમાંથી જ નવા ટ્રસ્ટીઓની પસંદગી કરવાની સત્તા ટ્રસ્ટીઓ પાસે છે.
દરમિયાન, શ્રીજી કૃપા સોસાયટીમાં રહેતા નવીનચંદ્ર ડાહ્યાભાઈ રાણા દ્વારા ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી બની જવા માટે એક મોટું પ્રપંચ રચવામાં આવ્યું હતું.
આરોપી નવીનચંદ્ર રાણાએ ગત ૧૯મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મંદિરના તમામ ટ્રસ્ટીઓ અને દાંડિયાબજારના રહીશોની મીટીંગ મળી હોવાનો એક ખોટો ઠરાવ તૈયાર કર્યો હતો. આ ઠરાવમાં મંદિરના ૧૨ જેટલા ટ્રસ્ટીઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા!
આશ્ચર્યની વાત એ છે કે આ પૈકી માત્ર ૭ જણાના જ મરણ દાખલા સામેલ કરાયા હતા, જ્યારે બાકીના ૪ ટ્રસ્ટીઓ માટે કોઈ દાખલો ન હોવાથી બોગસ નોટરી અને બોગસ સોગંધનામા તૈયાર કરવામાં આવ્યા હતા. આ મૃત જાહેર કરાયેલા ટ્રસ્ટીઓની યાદીમાં ખુદ ફરિયાદ નોંધાવનાર જીવંત ટ્રસ્ટી અશ્વિન માસ્તરનું નામ પણ સામેલ હતું. આ બોગસ દસ્તાવેજોના આધારે નવા ટ્રસ્ટી તરીકે પોતાના નામો ઉમેરી દેવામાં આવ્યા હતા.
આ કૌભાંડ બહાર આવતા જ અશ્વિન માસ્તરે સુરત સંયુક્ત ચેરીટી કમિશનર સમક્ષ બોગસ દસ્તાવેજો સામે વાંધો ઉઠાવી રીવિજન અરજી દાખલ કરી હતી. જેની ગંભીરતાને ધ્યાને લઈને ચેરીટી કમિશનર દ્વારા આ બોગસ ફેરફારના રિપોર્ટ અને હુકમનામાં સામે સ્ટે (રોક) આપવામાં આવ્યો છે.
આટલું જ નહીં, પરંતુ ખોટી રીતે ટ્રસ્ટી બનેલા નવીનચંદ્ર રાણાએ અન્ય ટ્રસ્ટીઓની કોઈ જ મંજૂરી કે સંમતિ વગર મંદિરની દાનપેટી ખોલીને તેમાંથી નીકળેલા રોકડ રૂપિયા અને કિંમતી વસ્તુઓ પોતાના સ્વાર્થ ખાતર હપપ કરી લીધા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે.
