અંકલેશ્વર:
ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા અંકલેશ્વર શહેરમાં વિદેશી દારૂના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નવીનગરી ચાર રસ્તા અને પીરામણ નાકા નજીક બે અલગ-અલગ સ્થળે દરોડા પાડીને પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને સ્થળેથી વિદેશી દારૂની 161 બોટલો, ત્રણ મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 1,04,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, 25 ઓક્ટોબર, 2026ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન નવીનગરી ચાર રસ્તા પાસે વાંસના શેડ નીચે અને પીરામણ નાકા નજીક પાણીની ચોકડીના ઓટલા પર વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટીમે બંને સ્થળે દરોડા પાડ્યા હતા.
પ્રથમ દરોડામાં નવીનગરી ચાર રસ્તા પાસે ગુરુદ્વારા નજીક રહેતા ગણેશ રાજુભાઈ વસાવા (ઉં.વ. 30) અને ભરૂચના ઇશાકપુરા વિસ્તારમાં રહેતા સોયબ સલીમભાઈ મેમણ (ઉં.વ. 39)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ છેલ્લા છ દિવસથી ભાગીદારીમાં દારૂ વેચતા હોવાનું અને કરણ નામના શખ્સ પાસેથી દારૂનો જથ્થો મેળવતા હોવાનું જણાવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
ત્યારબાદ પીરામણ નાકા પીઠા ફળિયા પાસે પાણીની ચોકડીના ઓટલા પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી અશોક મોતીભાઈ વસાવા (ઉં.વ. 65) અને જીગ્નેશ રમેશભાઈ વસાવા (ઉં.વ. 25)ને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી પણ વિદેશી દારૂની બોટલો, એક મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી આવી હતી. બંનેએ દેવજી નામના શખ્સ પાસેથી દારૂનો જથ્થો મેળવતા હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે બંને સ્થળેથી વિદેશી દારૂની કુલ 161 બોટલોની કિંમત રૂ. 46,475, ત્રણ મોબાઇલ ફોનની કિંમત રૂ. 55,000 અને રોકડ રૂ. 3,350 મળી કુલ રૂ. 1,04,825નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં કરણ અને દેવજી નામના બે શખ્સોને વોન્ટેડ દર્શાવી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે ગુજરાત નશાબંધી અધિનિયમની કલમ 65(એ)(ઇ), 81, 83 અને 116(બી) મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ શરૂ કરી છે.
દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
