ભરૂચ :
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે-૫૬ પર મૌઝા ગામ પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠી છે. આ મુદ્દે ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને ઝઘડિયા પ્રાંત અધિકારી ડૉ. પંકજભાઈ વલવાઈએ નેત્રંગ અને મૌઝા ગામની મુલાકાત લઈ ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી.
મંત્રી પ્રદ્યુમન વાજાના જન સુનાવણી કાર્યક્રમ દરમિયાન મળેલી સૂચના મુજબ અધિકારીઓએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, હાઈવે પર ઓવરબ્રિજના અભાવે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે.
મૌઝા ગામ પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવે તો વાહનવ્યવહાર સુગમ બનશે, ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને માર્ગ અકસ્માતો અટકાવવામાં મદદ મળશે તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી.
ધારાસભ્ય અને પ્રાંત અધિકારીએ ગ્રામજનોની માંગને ધ્યાને લઈ સંબંધિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
